શાળાના રજીસ્ટરો તેમજ કોમ્પ્યુટરને આગ ચાંપી અજાણ્યો ઇસમ ફરાર
દહેગામનાં અરજણજીનાં મુવાડામાં આવેલી પ્રાથમીક શાળાનાં તાળા તોડી કોઈ ઈસમ શાળાનાં રજીસ્ટરો તેમજ કોમ્પ્યુટરને આગ ચાંપીને નાસી ગયો હોવા અંગેની ફરિયાદ દહેગામ પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અરજણ જી મુવાડા ગામમાં આવેલી સરકારી પ્રાથમીક શાળામાં છેલ્લા બે વર્ષથી મનીષાબેન પટેલ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગત તા. ૮ મી જુલાઈનાં રોજ તેઓ ઘરે હાજર હતા તે વખતે મોડી સાંજે શાળાની નજીકમાં ગલ્લો ચલાવતા સલીમભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે શાળાની ઓફિસમાં આગ લાગી છે.
આ સાંભળી મનીષા બેન સ્ટાફના કર્મચારીઓને જાણ કરી તુરંત શાળા પર દોડી ગયા હતા.જ્યાં તેમની ઓફિસનાં લોખંડના દરવાજાનું તાળું તૂટેલું હતું અને ઓફિસની અંદર સ્ટાફ દ્વારા નિભાવવામાં આવતા રજીસ્ટરો તેમજ કોમ્પ્યુટર ને ઊંચકીને રૂમની વચ્ચે લાવીને કોઈ ઈસમે આગ ચાંપી દીધી હોવાનું માલુમ પડયું હતું. આ આગમાં રજીસ્ટરો તેમજ કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયાં હતાં. આ દરમિયાન મોડી રાત થઈ ચૂકી હોવાથી મનીષાબેને અન્ય રૂમની તપાસ કરી ન હતી. જ્યારે બીજા દિવસે ફરિયાદ આપતાં દહેગામ પોલીસ ધ્વારા અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments