ભાવનગર

શાળાની શૈક્ષણિક અને ભૌતિક સમસ્યાને ઇનોવેશનના માધ્યમથી હલ કરનાર ભાવનગરના પાલીતાણાના ઇનોવેટિવ શિક્ષકનું ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૦ થી મોરારી બાપુના હસ્તે સન્માન

ચાણક્યના પ્રખ્યાત કથન ‘’શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ’’ ને ખરાં અર્થમાં સાકાર કરતાં છેલ્લાં ૧૭ વર્ષ થી પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપતાં અને મૂળ વતન દર્શકની કર્મભૂમિ માઇધાર ગામના ખેડૂત પુત્રએ પોતાના ઇનોવેશન અને ડેડીકેશનથી શિક્ષણની એક નવી કડી કંડારી છે.

તેમના વિદ્યાર્થીઓ માટેના આવાં ઉમદા કાર્ય માટે મોરારીબાપુ દ્વારા વર્ષઃ ૨૦૨૦ માટેનો ચિત્રકૂટ એવોર્ડ આપીને બિરદાવવામાં આવ્યાં છે.

એક શિક્ષકમાંથી અનેક લોકો પ્રેરણાં મેળવતાં હોય છે ત્યારે શિક્ષકશ્રી નાથાભાઇ ચાવડાએ આ સન્માન પરંપરાગત પહેરવેશ પહેરીને સ્વીકારીને પોતાના મૂળને જાળવી રાખ્યાં હતાં. જે પોતાની સંસ્કૃતિને ભૂલી જાય છે તેને ઇતિહાસ ભૂલી જાય છે તેની પ્રતિતિ તેમના પરંપરાગત પહેરવેશે કરાવી હતી.

આ ઇનોવેટિવ શિક્ષકની સમય દાન અને શાળામાં નાની કે મોટી કોઈ પણ સમસ્યાનો હલ પોતે ઇનોવેશનના માધ્યમથી લાવી પોતાના બાળક અને શાળાના વિકાસમાં સતત પ્રયત્નશીલ એવાં આ  શિક્ષક શ્રી નાથાભાઇ ચાવડા પાલીતાણાના હાથિયાધાર વિસ્તારમાં આવેલી શાળામાં ફરજ બજાવે છે.

સમય અને નાણાં વાપરીને પણ પોતાનું કાર્ય ધમધમતું રાખે છે. બાળકોને મધ્યાહન ભોજનની સમસ્યા હોય કે શૈક્ષણિક કે આર્થિક સમસ્યા કોઈપણ સમસ્યા હોય તેનો નિકાલ ઇનોવેશનના માધ્યમથી કરી અને ભાર વગરના ભણતરની કેડી તેમણે કંડારી છે.

આ શિક્ષકે સતત સાત વર્ષ સુધી જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં ભાગ લીધેલો છે અનેક વખત રાજ્ય કક્ષાએ અને ગણિત વિજ્ઞાન મેળામાં પણ રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો છે. આમ, શૈક્ષણિક કાર્ય સાથે સામાજિક કાર્યો સાથે કોરોના વોરિયર તરીકે પણ કાર્ય કરેલું છે.

આ શિક્ષક સમયસર શાળા ખુલ્લે તે માટે સ્વૈચ્છિક જવાબદારી નિભાવે છે. આ શિક્ષકને અગાઉ ભાવનગર જિલ્લાના ગુરુવંદના અને કેળવણીની કેડીએ સન્માન પ્રાપ્ત થયેલ છે. નાની ઉંમરમાં ઘણાં સામાજિક શૈક્ષણિક કાર્ય કરી હાલ પોતાના વિસ્તારના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પોતાને એવોર્ડમાં મળેલી ધન રાશિનો ઉપયોગ પણ તેમના દ્વારા કરવામાં આવશે.

તેમના આવાં વિદ્યાર્થીલક્ષી કાર્યો માટે મુખ્યમંત્રીશ્રી થી માંડીને વડાપ્રધાનશ્રી સુધીના લોકોએ તેમના કાર્યનું પ્રશંસાપત્ર આપીને સન્માન કરાયેલું છે તેમાં આજે મોરારી બાપુના હસ્તે સન્માન થતાં વધુ એક છોગું ઉમેરાયું છે.

Related Posts