શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવાનું બંધ કરો- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી
ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના શાસનમાં માત્રને માત્ર તાયફાઓ સિવાય કશું થયું નથી, ભાજપના રાજમાં ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે, હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૭૦૦ કરતાં વધારે સરકારી પ્રાથમિક શાળામાં માત્રને માત્ર એક શિક્ષક જ ભણાવે છે, ૪૦,૦૦૦ કરતા વધારે શિક્ષકોની ઘટ છે ત્યારે આમાં ક્યાંથી ભણશે ગુજરાત? ૧૪૬૧ સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ વર્ગખંડ છે, જ્યારે ૩૮,૦૦૦ વર્ગખંડની અછત છે, ૧૦,૬૯૮ વર્ગખંડ જર્જરીત છે, તો આમા વિદ્યાર્થીઓ ક્યાં બેસીને ભણશે? સમગ્ર ગુજરાતમાં ૭૫૯૯ શાળાઓ છાપરાવાળી છે તથા ૫૪૩૯ શાળાઓને કમ્પાઉન્ડ વોલ પણ નથી અને ૮ શાળા લાઈટ વગરની છે,
સમગ્ર ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ૨,૫૦,૦૦૦ વિદ્યાર્થીઓને વાંચતા- લખતા આવડતું નથી, એક બાજુ ગુજરાત સરકાર રમત-ગમતને મહત્વ આપે છે તો બીજી બાજુ સરકારી પ્રાથમિક શાળાઓમાં પી.ટી. શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવતી નથી, ગુજરાત સરકાર કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત કરે છે પરંતુ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી કરવી નથી, સરકારી પ્રાથમિક શાળાઓમાં યોગ શિક્ષક, લેબ શિક્ષક, ચિત્ર ઉદ્યોગના શિક્ષક, વગેરે જેવા મહત્વના વિષયોના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે,
શાળાઓ શરૂ થઈ ગયા બાદ એક મહિના સુધી પાઠ્યપુસ્તકો પણ વિદ્યાર્થીઓને મળતા નથી, ગુજરાત રાજ્યની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પીવા માટેનું શુદ્ધ પાણી પણ મળતું નથી, ટોયલેટ ની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, ઘણી શાળાઓમાં રમતગમતના મેદાનો પણ નથી તો આમાં ક્યાંથી રમશે ગુજરાત અને જીતશે ગુજરાત? ભાજપના રાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ૩૦૦૦ કરતા વધારે સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગયેલ છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો પણ વધી ગયો છે, ત્યારે ભાજપના નેતાઓ પ્રવેશોત્સવના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને માત્ર ને માત્ર તાયફાઓ કરે છે,તો આમ ગુજરાતમાં શિક્ષણને ખાડે લઈ જવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે.
Recent Comments