ચાણક્યે કહ્યુ હતુ કે, “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ” આ ઉક્તિને ખરાં અર્થમાં ચાંચ બંદર પ્રાથમિક શાળા ખાતે સાકાર થતી જોવા મળે છે. ચાંચ બંદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા શ્રી શારદાબેન વાઘેલાએ સ્થાનિક સ્તરે પ્રશ્નોની પરખ મેળવી શાળા કક્ષાએ વધુ સારો અભ્યાસ થઈ શકે તે માટે જરુરી પ્રયત્નો હાથ ધર્યા.
દરિયાઈ વિસ્તારમાં બહારથી પણ લોકો મજૂરીકામ અર્થે આવે છે શ્રમિકોના બાળકો અગાઉ શાળાએ આવવા અને અભ્યાસ માટે તૈયાર નહોતા તે બાળકો હવે માતા પિતા સાથે જવાને બદલે ચાંચ સ્થિત હોસ્ટેલમાં રહીને જીવનના નવા આયામો સર કરી રહ્યા છે.ચાંચ એ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં છેવાડાનું અને દરિયાઈ કાંઠા વિસ્તારમાં આવેલું અંતરિયાળ ગામડું છે. ચાંચમાં ત્રણેય બાજું ઘૂઘવતા સમુદ્રનું પાણી છે અને મોટાભાગની વસતીનો મુખ્ય વ્યવસાય શ્રમ કાર્ય છે. છેવાડાના શ્રમિક વર્ગના નાગરિકોને પણ શિક્ષણ સહિતની સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ચાંચમાં એક સમય એવો હતો કે, પ્રાથમિક શાળા હોવા છતાં પણ બાળકો અભ્યાસ અર્થે શાળાએ નહોતા આવતા. તેનું મુખ્ય કારણ વ્યવસાયિક અને અન્ય સ્થિતિ હતા. બાળકો અભ્યાસ મેળવવા શાળાએ આવવાને બદલે પોતાના માતા-પિતા સાથે તેમના કામના સ્થળે જતાં રહેતા હતા. દરિયાઈ કાંઠાના આ વિસ્તારમાં પરિવર્તન આવે અને બાળકોના અભ્યાસ અર્થે વધુ કઈક કરવા રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યો અમલી કર્યા. બાળકોના રહેઠાણ અને ભોજન માટે વિશેષ આયોજન થાય તો તેઓ ત્યાં રહે, જમે અને અભ્યાસ કરી શકે. રાજ્ય સરકારને ધ્યાને છેવાડાના આ વિસ્તારની આ સ્થિતિ ધ્યાને આવી. છેવાડાના આ વિસ્તારમાં સ્થિતિને અનુરુપ સગવડ થઈ શકે તે માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચાંચ ખાતે સીઝનલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાની સાથે સાથે બાળકો માટે આ વિશેષ સુવિધાઓમાં ઉમેરો થયો. વધુમાં આ બાબતે સ્થાનિક સ્તરે હવે જાગૃત્તિ આવે તેવા પ્રયાસો શરુ થયા. માતા-પિતાના વ્યવસાયના સ્થળે જવાને બદલે બાળકો ચાંચ પ્રાથમિક શાળામાં આવે તે માટે શાળાના શિક્ષિક શ્રી શારદાબેન વાઘેલાએ અભ્યાસ અને અન્ય ઇત્તર પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે પરિવર્તન લાવવાનું નિયત કર્યુ, જેથી બાળકોને તેના ભાવિનું ભાથું મળી રહે.
ચાંચની આ શાળામાં શ્રી શારદાબેન વાઘેલાએ બાળકોને માતાની હુંફ અને પિતાનું વાત્સલ્ય આપવાની સાથે શિક્ષણની દિવ્ય જ્યોત પ્રગટાવી દીધી છે. શાળામાં બાળકોને શિક્ષણ સાથે સ્નેહ, લાગણી, કાળજી અને હૂંફ મળી રહે તે માટે સવિશેષ દરકાર શાળાના શિક્ષકશ્રીઓ કરી રહ્યા છે. તેમના આ સંનિષ્ઠ પ્રયાસોનું પરિણામ એટલું સકારાત્મક મળ્યું કે, શ્રમિક પરિવારના બાળકોએ પોતાના માતા-પિતા સાથે તેના વ્યવસાયના સ્થળ પર જવાને બદલે ચાંચની આ સીઝનલ હોસ્ટેલમાં રહીને વધુ સારી રીતે અભ્યાસ કરી શાળાએ નિયમિત રીતે આવવાનું નક્કી કર્યું.
છેવાડાના વિસ્તાર એવા ચાંચમાં શ્રમિક પરિવારના બાળકો પોતાના જીવનની નવી દિશાઓ કંડારી રહ્યા છે તે રાજ્ય સરકારની શૈક્ષણિક વિવિધ સુવિધાઓ અને ચાંચ ખાતેના શિક્ષકશ્રીઓનો શ્રમ યજ્ઞના સમન્વયનું પરિણામ છે. મહત્વનું છે કે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ ચાંચ સ્થિત આ શાળામાં સીઝનલ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ભોજન શાળા, બાળકોને ભોજન સમયે બેસવા ટેબલ પાટલી, બાળકોને આરામ માટે ગાદલા, રઝાઈ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. શિક્ષણ માટેની વિવિધ સુવિધાઓ શાળામાં અને રહેવા-જમવા સહિતની સુવિધાઓ બાળકોને ચાંચમાં મળી રહેતા માતા-પિતા પણ પોતાના બાળકના અભ્યાસ અને ઘડતર બાબતે નિશ્ચિંત બન્યા છે. શાળાના શિક્ષકશ્રીઓના શિક્ષા યજ્ઞ થકી ચાંચ એ સમગ્ર જિલ્લામાં મોડેલ શાળા બની છે. શાળાના શિક્ષકશ્રી શારદાબેને જણાવ્યું કે, તેઓ વર્ષ ૨૦૦૪માં ચાંચ ખાતે શિક્ષિક તરીકે જોડાયા અને શિક્ષણનો “યજ્ઞ” આજ દિન સુધી અવિરત શરુ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, ઘડિયાળમાં ૨૪ કલાકનો સમય છે જે મારે માટે માત્ર બાળકો અને શાળા માટે જ છે. માતૃત્વ ભાવ સાથે શ્રી શારદાબેન બાળકોને અભ્યાસની સાથે તેને માર્ગદર્શન, હુંફ, સુરક્ષા, ઉછેર, ઘડતર અને કેળવણી આપે છે. બાળકોના શિક્ષણ પ્રત્યે વધુ સારું શું કરી શકાય તે માટે શાળાના શિક્ષકશ્રીઓ સતત કાર્યરત રહે છે. શિક્ષકશ્રીઓ ધારે તો શું ન કરી શકે!
સમગ્ર જિલ્લામાં ચાંચની પ્રાથમિક શાળા એ જિલ્લાની સર્વ શ્રેષ્ઠ શાળા તરીકે ખ્યાતિ પામી ચૂકી છે. ગામનાં વડીલો અને વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી શિક્ષણ પ્રત્યે જાગૃત્તિ ફેલાવવામાં કિંમતી સમય ઉપરાંત અનેક પ્રકારે સિંહ ફાળો આપ્યો છે. તેમની મહેનત એટલી રંગ લાવી કે આજે ચાંચ ગામની દીકરીઓ પણ શાળાએ નિયમિત રીતે આવી તે અભ્યાસ કરે છે. ચાંચમાં વધુને વધુ પ્રગતિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના વિકાસલક્ષી કામોએ છેવાડાના વિસ્તારને નવી દિશામાં આગળ વધવાનું બળ પૂરું પાડ્યું છે. શાળાના શિક્ષકશ્રીઓ એવા વિરલ વ્યક્તિત્વ ધરાવે છે કે, તે તેની મહેનત થકી, વિદ્યાર્થી જ નહિ પરંતુ સૌ કોઈને પ્રેરણાબળ પુરુ પાડી શકે છે. એક વ્યક્તિ ધારે તો શું ન કરી શકે? ! તેનું ઉત્તમ ઉદાહરણ શ્રી શારદાબેન સહિતના શિક્ષકશ્રીઓ અને ચાંચ ગામની આ પ્રાથમિક શાળા છે
Recent Comments