શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર શહેરનાં સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
શિક્ષણ મંત્રીશ્રી આ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલ રોડ, મકાન, પાણી પુરવઠા, અન્ન, વીજળી, સરકારી યોજનાઓ, શિક્ષણ, આરોગ્ય, એસ.ટી.બસો, જુના બિલ્ડીંગોનું નવીનીકરણ સહિતના વિષય અંગેની જાણકારી ઉપસ્થિત અધિકારીઓ પાસેથી જાણી હતી.
તેમણે જિલ્લામાં ચાલી રહેલ વિકાસનાં કામો અંગેની તલસ્પર્શી વિગતો જાણી જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી ઉપસ્થિત અધિકારીઓને જે તે પેન્ડિંગ કામો તેની સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
તેમણે આ તકે ઉપસ્થિત જિલ્લાનાં સ્કાઉટ ગાઈડનાં રાજ્યકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત પણ કર્યાં હતાં.
તેમણે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, શિસ્ત અને અનુશાસન તે સ્કાઉટ ગાઈડનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જીવનના કોઇપણ ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સ્વયં શિસ્ત અને અનુશાસન ખૂબ જ જરૂરી છે. સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિથી આ ગુણો વિદ્યાર્થીઓમાં પહેલેથી જ કેળવાય છે. જેનો લાભ આગળ જતાં રાજ્ય અને દેશને ચોક્કસ મળશે.
આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા, ગઢડાના ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, પાલીતાણાના ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલીયા, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, રેન્જ આઈ.જી.શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠૌર, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, મદદનીશ કલેકટરશ્રી પુષ્પલતાબેન સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments