આઈ.એ.આર. યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં વર્ચ્યૂઅલ માધ્યમથી શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શિક્ષણ ક્ષેત્રે સંશોધન તથા સ્ટાર્ટઅપ દ્વારા શ્રેષ્ઠ ભારત એક ભારતનું નિર્માણ કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતુ.
શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ટીમ ગુજરાત સત્વરે સાકાર કરશે. આ યુનિવર્સિટી તેના રિસર્ચ, ઈનોવેશન અને બાયોટેકનોલોજીના અભ્યાસક્રમો માટે ભારત સહિત વૈશ્વિકસ્તરે આગવી ઓળખ ધરાવે છે.શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, આ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓએ સંસ્થામાંથી મેળવેલા શિક્ષણ અને કેળવેલા ગુણો થકી સમાજ તથા રાષ્ટ્રની બૌદ્ધિક સંપદામાં વધારો કર્યો છે. બૌદ્ધિક ધન એ આજના સમયની માંગ છે જેને આ વિદ્યાર્થીઓ પરિપૂર્ણ કરશે.
શિક્ષણ મંત્રી શ્રી વાઘાણીએ પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓને અભિવાદન પાઠવતા જણાવ્યુ હતું કે વધતા જતા ટેકનોલોજીના સમયમાં ટકવા માટે તમારી પાસે ગુણવત્તા યુક્ત શિક્ષણ તથા સ્કીલ બેઝડ નોલેજ આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓને રિસર્ચ તથા ઈનોવેશન દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર વર્ચ્યૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા.
આઈ.એ.આર. યુનિવર્સિટી દ્વારા વિવિધ શાખાના ૧૬૭ વિદ્યાર્થીઓને ડીગ્રી તથા ૧૨ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.યુનિવર્સિટીના ડીન એકેડેમીક પ્રોફેસર ડૉ. મનીષ શર્માએ સ્વાગત પ્રવચન તથા રજીસ્ટ્રાર ડૉ. મનીષ પરમારે આભારવિધિ તેમજ પ્રેસિડેન્ટ પ્રોફેસર રાવ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતુ.
Recent Comments