fbpx
ભાવનગર

શિક્ષણ મંત્રીની જાહેરાત: શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે

ભાવનગર ખાતે ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ દ્વારા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ લોન ટેનિસ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતો માટે ટુર્નામેન્ટ અને કપનું આયોજન કરવામાં આવશે.

આ કપ શિક્ષણ વિભાગના પ્રોત્સાહન સાથે યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓના અભ્યાસ કરતાં હોય કે અભ્યાસ ન કરતાં હોય તેવાં વિદ્યાર્થીઓ વચ્ચે પણ રમતગમતની સ્પર્ધા થાય અને રમતગમતને પ્રોત્સાહન અને રમતવીરોને પ્રેરણા મળે તે માટે વિવિધ કપ રમાડવા માટે શિક્ષણવિભાગ આગેવાની લેશે.

ભાવનગરના આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ અને કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ લોન ટેનિસની શરૂઆત કરીને રમત ગમતનું જે પ્રોત્સાહક વાતાવરણ બનાવ્યું છે તેને આગળ વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

નવી ટુર્નામેન્ટના આયોજનથી ખેલાડીઓમાં રમત પ્રત્યેની રુચિ અને ખેવના વધે છે અને જાગૃતિ આવે છે તેમ જણાવી તેમણે આ લોન ટેનીસ કપના આયોજન માટે રેન્જ આઇ.જી. અને કલેકટરશ્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

તેમણે કહ્યું કે, રેન્જ આઇ.જી. અને કલેકટરની આગેવાનીમાં રમાઇ રહેલા આ કપની સફળતા જોઇને આગામી સમયમાં જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકા નિયામક દ્વારા પણ લોન ટેનીસ કપનું આયોજિત કરવામાં આવશે.

આવી ટુર્નામેન્ટથી રમતવીરો માટે આ ક્ષેત્રે નવી કારકિર્દીની તકો ઊભી થશે. ખેલાડીઓ આજથી જ નવું વર્ષ છે તેમ માનીને રમત ગમતની શરૂઆત કરી દે તેમ તેમણે ખેલાડીઓને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું.

ભાવનગરની ધરતી પરથી આ નવો વિચાર પ્રફુલ્લિત થયો છે તે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં લઈ જવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અવસરે મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી,  રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ લોન ટેનીસ રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ અવસરે રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, કલેકટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામકશ્રી અજય દહીંયા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts