શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખાદ્ય ખોરાકની તપાસ માટેની ચેકિંગ વાનનું લોકાર્પણ કર્યું
શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર, ગુજરાત રાજ્ય દ્વારા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાદ્ય પદાર્થોના ચેકિંગ માટે ફાળવવામાં આવેલી ટેસ્ટિંગ વાનનું આજે સવારે લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત શિક્ષણ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ હોમીયોપેથી મેડિકલ કોલેજ તેમજ તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તેમજ પી.એન.આર.સોસાયટીના સહયોગથી દરેક જાતના રોગો તેમજ “બેતાળા” ચશ્માંનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિઃશૂલ્ક સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
કરશન ભગતનું રામાપીરનું મંદિર,ગોપાલ સોસાયટી, નારી રોડ, કુંભારવાડા, ભાવનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારીયા, ડેપ્યુટી મેયર શ્રી કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ ધામેલીયા સહિતના સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
શિક્ષણ મંત્રીએ આ અવસરે જણાવ્યું કે, રાજ્યમાં આ પ્રકારની ૨૦ ફૂડ સેફટી વાન કાર્યરત છે અને આજે ભાવનગર શહેરને નવી ફૂડ સેફટી વાન મળી છે.આ ફૂડ સેફટી વાનથી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જે-તે ખાદ્ય પદાર્થો તેમ જ દૂધના નમૂના લઈને તેમાં ભેળસેળ છે કે કેમ તેની સ્થળ પર જ ચકાસણી કરી શકાશે અને તેનું પ્રમાણપત્ર પણ તરત જ ઉપલબ્ધ બનશે.
તેમણે જણાવ્યું કે, આ મેડિકલ કેમ્પથી કુંભારવાડા વિસ્તારના લોકોને આયુર્વેદિક, હોમિયોપેથીક દવાઓનો લાભ મળશે. ઉપરાંત જે લોકોને બેતાળાના ચશ્મા છે તેમને પણ નિ:શૂલ્ક ચશ્માં આપવામાં આવ્યાં હતાં.
લોકોનું સ્વાસ્થ્ય સુધરે, જીવનધોરણમાં વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, આ કેમ્પ દ્વારા ભાવનગરના કુંભારવાડા વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધાઓ મળી છે અને આ સુવિધાઓનો લાભ મેળવી તેઓ નિરામય બને.
તેમણે આ સેવા કાર્યમાં સહકાર આપનાર ડોક્ટરો, સ્થાનિક આગેવાનોનો આભાર માન્યો હતો.
તેમણે કેમ્પના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને જાત માહિતી મેળવી હતી.તેમજ કેમ્પનો લાભ લેવાં માટે પધારેલ નારી શક્તિ સાથે સંવાદ કરી તેમને પડતી મુશ્કેલીઓ જાણી જરૂરી સાથ-સહકારની હૈયાધારણ આપી હતી.
શહેર પ્રમુખ શ્રી રાજુભાઇ પંડ્યાએ જણાવ્યું કે, જીતુભાઈ અને ગીરીશભાઈ બન્ને ભાઈઓ તેમના સ્વ.પિતાશ્રી સવજીભાઈ કરસનભાઈ વાઘાણીની પુણ્યતિથિ નિમિત્તે પ્રતિવર્ષ સેવાનો સમિયાણો અવિરત ચાલુ રાખે છે.
તેમણે આ કેમ્પનો લાભ લઇ આ વિસ્તારની જનતા આનંદમય, સુખમય બની રહે તેવી અભ્યર્થના પણ કરી હતી.
Recent Comments