શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીનાં હસ્તે “પંચાયતી રાજની આગેકૂચ” બૂકનું વિમોચન
ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞ તરીકે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યાં છે. ગઈકાલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ જ શ્રેણીમાં ભાવનગર જિલ્લામાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને શ્રી અટલ બિહારી બાજપેઈ, ઓપન એર થીએટર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષઃ ૨૦૦૯થી ગરીબોના સશક્તિકરણ માટે ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આજે આ મેળાના માધ્યમથી જિલ્લાના ૪૧,૨૭૫ જેટલાં લાભાર્થીઓને અંદાજીત રૂ. ૬૫૫ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હક્કના લાભો સરકારે હાથો-હાથ આપ્યાં છે. આ મેળાઓ તેમને આર્થિક મોરચે સ્વાવલંબી અને વધુ સમૃદ્ધ બનવામાં સહાયરૂપ પૂરવાર થશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા ત્યારથી જ રાજ્યને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, પાણી, વીજળી, શિક્ષણ એમ બધાજ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધેલાં પગલાઓની વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે હર ઘર નલ યોજના હેઠળ છેવાડાનાં ગામોનાં ઘરોમાં પણ નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. કોરોના સમય દરમ્યાન દેશનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તેની સરકારે તકેદારી રાખી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણકારી નીતિઓ વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, સખી મંડળ, કુંવરબાઈનું મામેરું, સરસ્વતી સહાય યોજના, કન્યા કેળવણી જેવી કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણથી રાજ્યના વંચિત અને ગરીબ વર્ગને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે, દેશનો એક પણ નાગરિક ગરીબ ન રહે, તેની પ્રગતિ અટકે નહીં એ સુનશ્ચિત કરવા સરકારશ્રી તરફથી અનેકવિધ યોજનાઓ અમલી કરવામા આવી છે. રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીનાં બેન્ક ખાતામાં સીધા લાભો કોઈ પણ વચેટીયા વગર પહોંચાડવાની નેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. જેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો છે અને તેમના જીવનમાં બદલાવ આવી રહ્યો છે.
શિક્ષણ મંત્રીશ્રીએ “પંચાયતી રાજની આગેકૂચ” બૂકનું વિમોચન પણ કર્યું હતું.
આ કાર્યક્ર્મમાં ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભ પહેલા સભાસ્થળે સ્થાનિક કલાકારો દ્વારા સાહિત્યની મનોરંજક કૃતિઓ અને દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જિલ્લાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ સહાય અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા દ્વારા સ્વાગત પ્રવચન અને કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઇ શાહ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.જે. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે. વી. મિયાણી, કોર્પોરેટરશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments