fbpx
ભાવનગર

શિક્ષણ વિભાગ કારકિર્દીના નિર્માણ માટે ઉપયોગી એવાં નવાં ‘પોર્ટલ’ની શરૂઆત કરશે- શિક્ષણ મંત્રીની જાહેરાત

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સુગ્રથિત સ્વરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને કૃષિ અને પશુપાલન વિભાગનાં સહયોગમાં “નવી દિશા- નવું ફલક” અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.

વાઘાવાડી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ આ કારકિર્દી અંગેના કાર્યક્રમની શરૂઆત કરાવતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લાં ૨૫ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરીને રાજ્યમાં શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરીને વિશ્વ ફલક સુધી જવાના દ્વાર યુવા પેઢી માટે ખોલી આપ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતાં ત્યારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવની શ્રૃંખલાને કારણે શિક્ષણ માટેની ભૂખ સમાજમાં ઉભી થઇ છે. મુખ્યમંત્રીશ્રી દીકરીને ભણાવવા માટેનું વચન લે એ કોઇ નાની સુની વાત નથી. આ કટિબધ્ધતા જ સમાજ નિર્માણની દિશા બને છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આજે રાજ્યમાં શિક્ષણના વધેલાં ફલકનો લાભ લઈને રાજ્યમાં યુવાનો ડિજિટલ દુનિયાના સથવારે નવા સ્વરૂપે સમાજ સામે આવે તેવા પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે.

આ માટે શિક્ષણ વિભાગ કારકિર્દી નિર્માણ અને દુનિયામાં આવતી નવી વસ્તુઓના ઉમેરાં સાથે નવાં પોર્ટલની શરૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત પણ શિક્ષણ મંત્રીશ્રીએ કરી હતી.

વિદ્યાર્થીઓ જગતની દોડમાં પાછળ રહી જાય અને કદમ સાથે કદમ મિલાવી શકે અને ‘સ્કાય ઇઝ ધી લિમિટ’ બની રહે તેવી વ્યવસ્થાઓ વિકસિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ આપતાં તેમણે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓને શીખ આપતાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓમાં આવાં સેમિનારોથી કારકિર્દી ઘડવાં માટેની દિશા તો નક્કી કરી શકાય છે. આ ઉપરાંત તેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાય છે. આ આત્મવિશ્વાસ અને સાચી દિશાની મહેનત તેમને સફળતા તરફ દોરી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આજનો વિદ્યાર્થી ‘જોબ સિકર નહીં, જોવ ગીવર’ બને તેના મૂળ પ્રાથમિક કક્ષાએથી જ કેળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી દ્વારા ‘માઈન્ડ ટુ માર્કેટ’ સુધી મદદરૂપ થવાનું તંત્ર વિકસિત કર્યું છે.

આજની યુવાપેઢીમાં સામર્થ્યની કોઈ ઉણપ નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, અત્યારે રાજ્યની ૮ મહાનગરપાલિકામાં આ સેમિનારનું પ્રસારણ થઇ રહ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યના ૨૪૯ તાલુકાઓમાં કારકિર્દી સેમિનારોમાં તજજ્ઞ વક્તાઓ માર્ગદર્શન આપવાનાં છે.

શિક્ષણ, શ્રમ અને રોજગાર, પશુપાલન વગેરે વિભાગોના સંકલન સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતર ઉમરે સાચી દિશા પકડી શકાય તેનું સાચું અને યોગ્ય માર્ગદર્શન આવાં સેમિનારોથી મળે છે. ભૂતકાળમાં આવાં સાચા માર્ગદર્શનને પરિણામે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની યોગ્ય કારકિર્દી પસંદ કરી શક્યાં નહોતાં. હવે આ વાત ભૂતકાળ બની રહેવાની છે.

તેમણે કહ્યું કે, ૨૫ વર્ષ પહેલા બાળકને બાવડું પકડીને શાળામાં મુકવાં જવું પડતું તેવી સ્થિતિ હતી. આજે શિક્ષણની જાગૃતતાને કારણે તેની મહત્તા સમાજને સમજાઇ છે. અને નવી નવી વિકસિત થયેલી શાખાઓમાં જઇ શકાય તે માટેના માર્ગદર્શન માટે આ સેમિનારોનું આયોજન કર્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓના વાલીને પોતાના બાળકોની કારકિર્દી વિશે જીજીવિષા, ઉત્કંઠા રહેતી હોય છે કે હવે શું થશે? પરંતુ આવાં સેમિનારોથી પ્રત્યક્ષ સાથોસાથ પરોક્ષ રીતે આત્મવિશ્વાસનું નિર્માણ થતું હોય છે.

વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દીની પસંદગી ન થવાથી ભવિષ્યમાં કોઈ વસવસો રહે નહીં તે માટે નિષ્ણાતો સાથે સંવાદ થાય તેવું વ્યાપક આયોજન શિક્ષણ વિભાગે કર્યું છે.

તેમણે કહ્યું કે, આજે આઈ.ટી.આઈ., કૃષિ તથા આરોગ્ય ક્ષેત્રમાં અનેક શાખાઓ ખૂલી છે, પરંતુ તેનાં વિશેની જાણકારીના અભાવે તેમાં પ્રવેશ મેળવી શકાતો નથી. તેને ધ્યાનમાં રાખીને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ શાખાઓનું માર્ગદર્શન એક જ છત્ર તળે મળે આ ઉપરાંત તેનું  સાહિત્ય પણ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જાણીતા પ્રેરક વક્તાશ્રી શૈલેષભાઇ સગપરીયાએ જણાવ્યું કે, કારકિર્દીની ટોચ પર પહોંચવું હોય તો તે માટે પસંદગીનું ક્ષેત્ર પસંદ કરવું પડે. દુનિયા ગમે તે કહે પરંતું તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં જશો તો તમે ચમકી જશો.

તેમણે કહ્યું કે, તમે તમારી રસ અને ઋચી મુજબનું ક્ષેત્ર પસંદ કરો અને તમારી જાતને પ્રચંડ પુરુષાર્થ સાથે જોડી દેશો તો સફળતા તમારા કદમ ચૂમશે.

તેમણે કહ્યું કે, રસ અને ઋચી મુજબનું ક્ષેત્ર પસંદ નહીં કરો તો તમને સારો પગાર અને પેકેજ મળશે પરંતુ જીવનમાં સફળ નહીં થઈ શકો અને સાચા અર્થમાં જીવનનો આનંદ મેળવી શકશો નહીં.

તેમણે કહ્યું કે, સ્પીપા દ્વારા તાલીમ કાર્યક્રમોના આયોજનથી ૧૪૩ ગુજરાતી યુવાન-યુવતીઓ IAS, IPS, IRS બન્યાં છે.  આ માટે સ્પીપા દ્વારા  નિઃશૂલ્ક તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે સ્ટાઇપેન્ડ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવે છે, ત્યારે આવી શ્રેષ્ઠ તાલીમ સંસ્થાનો લાભ મેળવી ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટેની શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં તમે જીવનનું ધ્યેય નક્કી કરી શકાય તો તે કારકિર્દી નિર્માણ માટે અગત્યનું બની જાય છે. ભવિષ્યમાં કઈ તકો ઉપલબ્ધ છે તેને ધ્યાનમાં રાખીને પોતાના રસના આધારે કારકિર્દીની પસંદગી કરવામાં આવે તો ધારી સફળતા મેળવી શકાય છે.

ભાવનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી યોગવિજય સ્વામીએ જણાવ્યું કે, આજના વિદ્યાર્થીઓ પાસે ગતિ છે. પરંતુ તેને દિશા આપવાની જરૂર છે. આવા સેમિનારો તેમાં ઉપયુક્ત બને છે

તેમણે આશીર્વચન આપતાં કહ્યું કે, શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણ અને સંસ્કાર પણ કેળવવાં જરૂરી છે. તેને દ્રઢ કરવામાં આવે તો જીવનમાં ચોક્કસ પ્રગતિ કરી શકાય છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીનો વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતો વિડીયો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો. તજજ્ઞ વક્તાઓએ વિવિધ કોર્સ અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આ અવસરે તેમને મૂંઝવતાં પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં તેના જવાબ તજજ્ઞ વક્તા દ્વારા આપવામાં આવ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી મિતુલ રાવલ કર્યું હતું.

આ સેમિનારમાં મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, ભાવનગરના જાણીતા ક્રિકેટરશ્રી ચેતન સાકરીયા, શહેર ભા.જ.પા. પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શિશિરભાઈ,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જિલોવા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિશ્રી એમ.એમ. ત્રિવેદી,  શિક્ષણ વિભાગના અધિકારીઓ, પ્રાધ્યાપકો, શિક્ષકો, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.જે. વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.વી. મીયાણી, પ્રાધ્યાપકો, શિક્ષકો, વિવિધ શાળા, કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts