શિમલાની રેસ્ટોરન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ, એકનું મોત, ૧૦ ઘાયલ
હિમાચલ પ્રદેશના શિમલાથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના મોલ રોડ પર સ્થિત એક રેસ્ટોરન્ટમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એકનું મોત થયું હતું જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હતા. શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ બુધવારે આ જાણકારી આપી. જણાવી દઈએ કે આ બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. વિસ્ફોટમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એસપી ગાંધીએ જણાવ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. વાસ્તવમાં મંગળવારે સાંજે ફાયર બ્રિગેડ ઓફિસની પાસે એક રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે ઘણી દુકાનોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે બ્લાસ્ટના ૨૦ મિનિટ પહેલા તેમને એલપીજી ગેસની જાણકારી મળી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્ફોટ સિલિન્ડર ફાટવાના કારણે થયો હતો. વિસ્ફોટ એટલો જાેરદાર હતો કે નજીકના ઘરોની બારીના કાચ તૂટી ગયા હતા. આ વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. શિમલાના એસપી સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું કે વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. બ્લાસ્ટ બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે હાજર છે. વિસ્ફોટનું કારણ ટૂંક સમયમાં જાણી શકાશે.
Recent Comments