શિયાળબેટના નાગરિકોની આરોગ્ય તપાસ, દવાઓ, રસીકરણ સહિતની કામગીરી
અમરેલી જિલ્લાનો જાફરાબાદ તાલુકો દરિયાઈ કાંઠે છે. જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણની કામગીરી સઘન રીતે થઈ શકે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ભૌગોલિક રીતે ચોતરફ પાણીથી ઘેરાયેલા એવા શિયાળબેટ ખાતે આરોગ્ય શાખાનું સબસેન્ટર છે. હોડીનો ઉપયોગ કરી આ સ્થળે પહોંચી શકાય તેમ છે. શિયાળ બેટ ખાતે વસવાટ કરતા લોકોને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી સેવા મળી રહે તે માટે એ.એન.એમ. શ્રી કાજલબેન બી. રાઠોડે તેમની ફરજ અદા કરી હતી. તેઓએ હોડી મારફતે છેવાડાના શિયાળબેટ સ્થિત સબસેન્ટર ખાતે પહોંચીને નાગરિકોને વિવિધ આરોગ્યલક્ષી સેવા અને યોજનાકીય સહાય અને લાભ વિશે માહિતગાર કર્યા હતા. શિયાળબેટના નાગરિકોની આરોગ્ય તપાસ, દવાઓ, રસીકરણ સહિતની કામગીરી પણ તેમણે કરી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આ માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આમ, આરોગ્ય શાખાની કામગીરી થકી રાજ્ય સરકારનો પ્રજાલક્ષી અભિગમ શિયાળબેટ ખાતે સાર્થક થતો જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટના સબ સેન્ટર શિયાળબેટ ખાતે વર્ષ ૨૦૨૧ – ૨૨ દરમિયાન ૨૨૯ સગર્ભા, ૨૦૦ ધાત્રી, ૨૩૫ મિઝલસ રુબેલા, ૫૩ નસબંધી, ૧૨૨ પ્રધાનમંત્રી માતૃત્વ વંદના, ૪૩ કસ્તુરબા પોષણ સહાય, ૧૦૬ જનની શિશુ સુરક્ષા યોજના, ૬૭ આર્યન સુક્રોઝ સહિત રુ.૪,૦૭,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી. એપ્રિલ થી જુલાઈ – ૨૦૨૨ દરમિયાન ૭૮ લાભાર્થીઓને આરોગ્યલક્ષી વિવિધ યોજના અંતર્ગત રુ.૯૦,૫૦૦ ચૂકવવામાં આવી.
Recent Comments