ભાવનગર શિશુવિહાર – ભાવનગર દ્વારા શ્રી રાજેશ ધામેલિયાને ‘માતૃભાષા સંવર્ધન પારિતોષિક’ તેમજ શ્રી લતાબહેન હિરાણીને ‘શ્રી ભાગીરથી મહેતા સન્માન’ અને શ્રી પ્રણવભાઈ પંડ્યાને ‘શ્રી કિસ્મત કુરેશી સન્માન’થી નવાજવામાં આવશે‘શિશુવિહાર’ ભાવનગરમાં છેલ્લા ૮૫ વર્ષથી અનેકવિધ લોકોપયોગી પ્રવૃત્તિ કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર લોકોને વિવિધ સન્માન એનાયત કરીને બિરદાવવામાં આવે છે. ‘શિશુવિહાર’ દ્વારા આગામી તારીખ ૧૫ મી સપ્ટેમ્બર રવિવારે સવારના ૧૦:૩૦ કલાકે શિશુવિહાર પ્રાંગણમાં શ્રી અનિલભાઈ શ્રીધરાણીની સ્મૃતિમાં છેલ્લા ૬ વર્ષથી અપાતો માતૃભાષા સંવર્ધન ઍવૉર્ડ શ્રી રાજેશભાઈ ધામેલિયા (સુરત)ને, શ્રી ભાગીરથીબહેન મહેતા જાહનવી સ્મૃતિ ઍવૉર્ડ (સાતત્ય વર્ષ ૮ ) કવયિત્રી શ્રી લતાબહેન હિરાણી (અમદાવાદ)ને તેમજ શ્રી કિસ્મતભાઈ કુરેશી ગઝલ ઍવૉર્ડ (સાતત્ય વર્ષ ૩) શ્રી પ્રણવભાઈ પંડ્યા (અમરેલી)ને એનાયત થશે.
ગુજરાતના શિરમોર કવિ શ્રી માધવભાઈ રામાનુજની અધ્યક્ષતા તથા શ્રી વિનોદભાઈ જોશી, પદ્મશ્રી મુનીભાઈ મહેતા, નાનકભાઈ ભટ્ટ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે.શ્રી રાજેશભાઈ ધામેલિયા, શ્રી લતાબહેન હિરાણી અને શ્રી પ્રણવભાઈ પંડ્યા પોતાનાં લેખન અને કાર્યો દ્વારા માતૃભાષા ક્ષેત્રે પ્રદાન કરી રહ્યાં છે.
શ્રી રાજેશ ધામેલિયા માતૃભાષા સંવર્ધનનું અનોખું કાર્ય કરે છે. ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’ પુસ્તિકાઓનું સંપાદન કર્યું. આ પુસ્તિકાઓ ૩,૦૦,૦૦૦ થી વધારે લોકોએ વસાવી છે. શાળા-કૉલેજના વિદ્યાર્થિઓ તેમજ ન્યૂયોર્ક-અમેરિકા સ્થિત (મૂળ ગુજરાતી) વિદ્યાર્થીઓ માટે પણ સેમીનાર યોજ્યા છે. સુરતના જાણીતા અખબાર ‘ધબકાર’માં છેલ્લા નવ વર્ષથી ‘શબ્દસરિતા’ કૉલમ લખે છે. વિવિધ અખબારો અને સામયિકોમાં એમના ૭૦૦થી વધારે લેખો પ્રસિદ્ધ થયા છે, એમનાં ‘બાળકેળવણી’, ‘ગૌરવવંતાં પથદર્શકો’, ‘ગૌરવશાળી ગુજરાતીઓ’ વગેરે પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે “રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક” પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત ‘ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘માતૃભાષાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘વિશિષ્ટ સેવા ઍવૉર્ડ’, ‘સુરત જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ’, ‘શિક્ષક સજ્જતા ઍવૉર્ડ જેવા વગેરે ઍવૉર્ડથી વિવિધ સંસ્થાઓએ એમને સંમાનિત કર્યા છે.
અમરેલીના વતની શ્રી પ્રણવભાઈ પંડ્યા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કાવ્યલેખન, કટારલેખન, સાહિત્યિક- સાંગીતિક ઉપક્રમોનું સંચાલન વગેરે કરે છે. ૧૦ થી વધુ વર્ષોથી જન્મભૂમિ પ્રવાસી મુંબઈ, ફૂલછાબ રાજકોટ અને કચ્છ મિત્ર ભુજની રવિવાર પૂર્તિમાં ‘શ્વાસનું રિચાર્જ’ નિયમિત કટાર લેખન કરી રહ્યા છે. ૬ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. રાવજી પટેલ યુવા સાહિત્ય સન્માન- સમન્વય અમદાવાદ (૨૦૧૩); ગુરુ ગૌરવ સન્માન (૨૦૧૭)- સાંદીપની સંસ્થા પોરબંદર; વતનના રતન સન્માન (૨૦૧૭)- અમરેલી નગરપાલિકા; શયદા ઍવૉર્ડ – આઈ.એન.ટી. મુંબઇ; રાજવી કવિ કલાપી ઍવૉર્ડ – આરાધના ચૅરિટેબલ ટ્રસ્ટ, લાઠી દ્વારા એમને પ્રાપ્ત થયાં છે.શ્રી લતાબહેન હિરાણી કવિ, સાહિત્યકાર અને સંપાદક એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. એમનાં ચોવીસ જેટલાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વિશ્વા મેગેઝિન અને કાવ્યવિશ્વ વેબસાઇટનું સંપાદન તેમજ દિવ્ય ભાસ્કરમાં કૉલમનું લેખન કરી રહ્યાં છે. એમનાં નોંધપાત્ર પ્રદાન બદલ આંતરરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના આઠ ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા છે. તેઓ ‘Parenting for Peace’ સંસ્થા સાથે સક્રિય કામગીરી કરે છે.
Recent Comments