સુરત માં આગામી ૨૫ ડિસેમ્બરે રેશનાલિસ્ટ યુવક જનક બાબરીયા દ્વારા સામાજિક સંરચના ઓમાં રિવાજ પરંપરા દેખાદેખી નામે ચાલતી વ્યવસ્થા સામે અનેકો વિચાર પ્રેરક પ્રશ્નાર્થ સાથે યોજાશે લગ્નોત્સવ
શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
લગ્ન પ્રસંગે આપણે ઉચ્ચ વર્ણની નકલ સમજ્યા વિના કરીએ છીએ. જિંદગીમાં ક્યારેય સાફો બાંધવાનો ન હોય, છતાં વરરાજા સાફો બાંધે છે. તૈયાર સાફામાં વરરાજા વિદૂષક જેવા લાગે છે. વરરાજા તલવાર કે કટાર રાખે છે ! આ બધી સામંતી પ્રથા છે, જે લોકશાહી સમાજમાં બંધ બેસતી નથી. બીજું ઉપલો વર્ગ લગ્નપ્રસંગ જે રીતે ઉજવે છે તેની નકલ મધ્યમવર્ગ કરે છે; મધ્યમવર્ગની નકલ નીચલો મધ્યમવર્ગ અને ગરીબ કરે છે. તેથી વ્યાજખોરોનો ધંધો ચાલે છે. આ દૂષણ દેખાદેખીના કારણે ટકેલું છે. મીઠાં લગ્નગીતોનું સ્થાન હલકા ફિલ્મી ગીતોએ લઈ લીધું છે. જાહેર રોડ પર કિંમતી વેશભૂષામાં ગરબા લેવાય છે. લગ્નપ્રસંગ વેળાએ ‘ઈવેન્ટ મેનેજર’ની ભૂમિકા વધી ગઈ છે; તેના કારણે લગ્નપ્રસંગ, ફિલ્મી/નાટકીય બની ગયો છે. શું લગ્નપ્રસંગ સરળ/ગૌરવપ્રદ ન બનાવી શકાય?
રેશનાલિસ્ટ જનક બાબરિયાના બહેન ચિ. હેતલના લગ્ન 25 ડીસેમ્બર 2022ના રોજ સુરત મુકામે છે; તેનું આમંત્રણ કાર્ડમાં નોંધ મૂકી છે : “મંડપ મૂહુર્ત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે. ચાંદલા (રોકડ)/ વાસણ/વાસણ પેટે રોકડા/કવર/ગિફ્ટ સ્વીકારવાની પ્રથા બંધ છે. મામેરું /પાટ ઉઠામણ/જડ વાહવાની/ પહની પ્રથા બંધ રાખેલ છે.”સમય સાથે લગ્નપ્રસંગમાં પણ ફેરફાર થવો જોઈએ. આપણે શિક્ષિત થયા છીએ, વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા થયા છીએ, તે મુજબ સામાજિક પ્રસંગો ઊજવવા જોઈએ. જૂની/બિન જરુરી રુઢિઓને તિલાંજલિ આપવી જોઈએ. લગ્ન એ દેખાડાનો પ્રસંગ ન બને તેની કાળજી લેવી જોઈએ. મામેરાની પ્રથા પણ અજુગતી લાગે છે; દેખાદેખીના કારણે મામા વ્યાજ ભરતા થઈ જાય છે !
આપણે ત્યાં ડીગ્રી ધારકો પણ અલગથી વિચારતા નથી. આગળથી ચાલી આવતી પ્રથાને અનુસરે છે. શિક્ષણ જો સમાજ વ્યવસ્થામાં પરિવર્તન ન કરી શકે, તો તેનો કોઈ અર્થ ખરો? આશા રાખીએ કે જનક બાબરિયાની માફક યુવાનો સામાજ પરિવર્તનની દિશામાં વિચારશે.
Recent Comments