શૈલેષ લોઢાની લીગલ નોટિસથી ભડક્યા અસિત મોદી, કહી દીધી આ વાત…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી જગતમાં બહુ મોટું નામ બની ચૂક્યું છે. આ સીરીયલ એક દાયકાથી પણ વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. કરોડો લોકો દરરોજ આ સીરીયલનો આનંદ ઉઠાવે છે. અલબત્ત, થોડા વર્ષોથી આ સીરીયલ સતત વિવાદોમાં ઘેરાયેલી રહે છે. દિશા વાકાણી, ભવ્ય ગાંધી, નેહા મહેતા અને શૈલેષ લોઢા સહિતના ઘણા જાણીતા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. અગાઉ અંજલીનું પાત્ર ભજવતા નેહા મહેતા અને તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી પર ફી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. અસિત મોદી અને અન્ય કલાકારો વચ્ચે ખટરાગના કોઈ અહેવાલો નથી. પણ શૈલેષ લોઢા અને અસિત મોદીના સંબંધોની ખટાશ જગજાહેર છે. અસીત કુમાર મોદી અને શૈલેષ લોઢા એકબીજાને જાહેરમાં અને મીડિયા સમક્ષ આરોપ લગાવતા નજરે પડે છે. બંને વચ્ચેનો વિવાદ ઘેરો થતો જાય છે. તાજેતરમાં જ શૈલેષ લોઢાએ ફી બાબતે કુમાર મોદીની પ્રોડક્શન કંપની નીલા ટેલીફિલ્મ સામે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. આ બાબતે પ્રોડ્યુસર અસિત મોદીએ રિએક્શન આપ્યું છે. શૈલેષ લોઢા પ્રત્યે અસિત કુમાર મોદી ખફા છે. તેમણે કહ્યું છે કે, થોડા મહિના પહેલા નોટીસ મળી હતી. પરંતુ તેનું કારણ સમજાયું નહોતું. તેમણે વધુમાં કહ્યું કે તેમણે ક્યારેય શૈલેષને ફીના પૈસા ચૂકવવાની ના પાડી નથી.
તેમણે ઇટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે શૈલેષ લોઢાને ઘણા ઈમેલ અને ટેક્સ મેસેજ કર્યા હતા અને તેમને પૈસા લેવા માટે બોલાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, અમારે પૈસા બાબતે કેટલીક ફોર્માલિટી પૂરી કરવાની હતી. જેથી અમે તેમનો સંપર્ક કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. દરેક જગ્યાએ આવું જ હોય છે. પરંતુ તેઓ ફોર્માલીટીસ પૂરી કરવા તૈયાર નથી. પ્રોડક્શનને આશા હતી કે તેઓ પાછા આવશે, પરંતુ તેવું થયું નહીં. જેથી શૈલેષની જગ્યાએ સચિન શ્રોફને કાસ્ટ કર્યા હતા. અસિત કુમારે વધુમાં કહ્યું કે, શૈલેષ એક્ટર નહોતા છતાં મેં તેમને લીડ રોલ આપીને જાેખમ લીધું હતું. શૈલેષ લોઢાએ પોતે જ શો છોડી દીધો હતો. અમે તેમને કાઢ્યા ન હતા. અમે તેમને ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ પૂરો કરવા કહ્યું હતું. પરંતુ તેમણે અમારી સાથે મીટીંગ કરવાની પણ ના પાડી દીધી હતી. તેમણે ઉમેર્યું કે, અમારી પાસે બધા જ રેકોર્ડ છે. શોમાં ઘણા લોકો ૧૫ વર્ષથી કામ કરી રહ્યા છે. કોઈના પૈસા બાકી નથી. શોના ભાગ હતા ત્યાં સુધી બધું સારું હતું, શો છોડતાની સાથે જ બધું ખરાબ થઈ ગયું. બીજી તરફ શૈલેષ લોઢાએ આ બાબતે રિએક્શન આપવાની ના પાડી છે. તેમણે કહ્યું કે, આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
Recent Comments