શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાસણ મુકામે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો
સિંહો માટે પ્રખ્યાત ગીર નેશનલ પાર્ક જ્યાં આવેલ છે એ સાસણ મુકામે યોજાયેલ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાવનગર તાલુકાની શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ભાગ લીધો…
આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં બાળકોએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના અંતરિયાળ વન વિસ્તારમાં ભ્રમણ કરીને પ્રકૃતિને માણવાનો, જાણવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો. અભયારણ્યમાં બાળકોએ વિવિધ વનસ્પતિ, વૃક્ષો, ઔષધીય છોડ, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ વગેરેને નિહાળીને તેની પ્રત્યક્ષ ઓળખ મેળવી. સાથે સાસણ ગીર એજ્યુકેશન કૅમ્પ સાઇટની પાઠશાળામાં વન સંપદા અને સમગ્ર પર્યાવરણના રક્ષણ, સંવર્ધન અને ઉપયોગ બાબતે તજજ્ઞો દ્વારા જાણકારી મેળવી. તેમજ થિયેટરમાં ફિલ્મ નિદર્શન મારફત ગીરના વિવિધ પાસાઓ અને એશિયાટીક લાયનની વર્તણૂક, ખોરાક, રહેઠાણ અને સિંહ સાથેના માનવીય સહનિવાસન અંગેની વિવિધ બાબતો પર જાણકારી મેળવી.
વનકેડીએ અને હીરણ નદીના કાંઠે ભ્રમણ કરતાં કરતાં બાળકોએ વાંહાઢોળ, ઘંટાલા- ઘંટલી જેવા ડુંગરોને નજીકથી જોવાનો લહાવો લીધેલ. બાળકોએ આ શિબિરમાં દૂધરાજ, અધરંગ, લક્કડખોદ, કંસારો, નાચણ પંખો, મધિયો બાજ, કિંગફીશર, વ્હાઇટ ઇબીસ, મોર, તૂઇ વગેરે વિધવિધ પક્ષીઓને નિહાળ્યાં. તેમજ ચિત્તલ, સાબર, વાંદરા, કાળિયાર, જંગલી સૂવર, દીપડા અને સિંહ, મગર વગેરે પ્રાણીઓને જંગલની તેની મૂળ અવસ્થામાં વિચરણ કરતાં જોવાનો લહાવો લીધેલ.
સાથે સાસણમાં નિર્માણ પામેલ અદ્યતન કૅમ્પ સાઇટના સુંદર નવા તંબુમાં નિવાસ, મજાનું ભોજન, પ્રકૃતિને જાણવા-માણવા અને સાચવવાની રસપ્રદ વાતો અને સૌને ગમતાં કૅમ્પ ફાયરમાં મુક્ત રીતે વ્યક્ત થવાની મોજમોજ માણી.
સમગ્ર શિબિર દરમ્યાન વનસ્પતિઓનો પરિચય કરાવતા, ગીરની અજાણી વાતો કહેતા, વન્યપ્રાણીઓના પાક્કા અનુભવી સાસણના સૌથી જૂના ને વફાદાર ટ્રેકર-રેસ્ક્યુ માસ્ટર મુરાદખાનનો વફાદાર સંગાથ મળ્યો. તેમજ વન્ય પ્રાણી વિભાગના સ્ટાફના સુચારુ આયોજન થકી શિબિર ખૂબ સફળ રહી.
પૃથ્વી કાચબાની પીઠ પર ટકેલી છે અને એ ટેકાથી જે સ્પર્શબિંદુ રચાય છે એ સ્થળ એટલે ગીર, આવી કલ્પના થયેલ છે. પૃથ્વીના આ અતિ રમણીય પ્રદેશની મધ્યમાં આવેલ સાસણની આ પ્રકૃતિ શિક્ષણ શિબિરને બાળકો હંમેશને માટે ગર્વથી યાદ કરશે.
Recent Comments