fbpx
રાષ્ટ્રીય

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના પાકિસ્તાન પર નિશાન સાધ્યું

ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે સીમા પારના આતંકવાદને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. આતંકવાદીઓને આશ્રય આપનાર દેશો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. રૂચિરા કંબોજે કહ્યું કે ભારત દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો શિકાર છે.

આ આતંકવાદી જૂથો ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરવા અને હિંસા કરવા માટે સરહદ પારથી ડ્રોનનો ઉપયોગ કરે છે.. આના કારણે અમને ઘણું નુકસાન થયું છે અને હવે આમાં ડ્રોનનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. કંબોજે શુક્રવારે સુરક્ષા પરિષદમાં ‘સ્મોલ આર્મ્સ’ પર ખુલ્લી ચર્ચા દરમિયાન આ વાત કહી. રુચિરા કંબોજે કહ્યું કે આતંકવાદી સંગઠનો પાસેથી મળી આવેલા હથિયારો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોઈ તેમની મદદ કરી રહ્યું છે. તેઓ કોઈપણ દેશની મદદ વગર આટલા મોટા પાયા પર હથિયારો એકઠા કરી શકતા નથી. તેમણે કહ્યું કે તેઓ અન્ય દેશોના સમર્થન વિના અસ્તિત્વમાં નથી. કંબોજે આંતરરાષ્ટ્રીય સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને અરીસો બતાવ્યો હોય.. આ પહેલા પણ ભારત ઘણી વખત આવું કરી ચુક્યું છે.

થોડા દિવસ પહેલા જ ભારતે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. વાસ્તવમાં, પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરને લઈને કેટલાક ખોટા નિવેદનો આપ્યા હતા, જેના પર ભારતે રાઈટ-ટુ-રિપ્લાય હેઠળ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. તે સમયે ભારતે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે. આ દરમિયાન ભારતે મુંબઈ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે કહ્યું કે પાકિસ્તાને હજુ સુધી મુંબઈ આતંકી હુમલાના આતંકીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી.

Follow Me:

Related Posts