રાષ્ટ્રીય

સંસદમાં યોગ્ય ચર્ચાઓ વગર જ પાસ કરી દેવામાં આવે છે કાયદા

સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સંસદીય ચર્ચાઓના કથળી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદના બનાવેલા કાયદાઓમાં હવે સ્પષ્ટતા નથી. સીજેઆઈએ કહ્યું કે, પહેલા સંસદની અંદર થનારી ચર્ચાઓ અત્યંત સમજદારીથી ભરેલી, સકારાત્મક હતી. ત્યારે કોઈપણ કાયદા પર યોગ્ય રીતે ચર્ચા થતી હતી, હવે ચિંતાજનક સ્થિતિ છે.

તેમણે કહ્યું કે, “‘હવે આપણે કાયદાઓમાં ઘણું અંતર જાેઈએ છીએ, કાયદા બનાવવામાં ઘણી અનિશ્ચિતતા હોય છે.” ૭૫માં સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કૉર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં બોલતા સીજેઆઈએ સંસદને લઇને આ ટિપ્પણી કરી. સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિના કેટલાક દિવસ બાદ જ આવ્યું છે. વિપક્ષના એવા આરોપ હતા કે પુરતી ચર્ચા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યા છે. ચોમાસુ સત્ર દરમિયાન યોગ્ય રીતે કામકાજ ના થઈ શક્યું અને અંતિમ દિવસે શરમજનક દ્રશ્યો પણ જાેવા મળ્યા.

સીજેઆઈએ કહ્યું કે, “કાયદાઓમાં કોઈ સ્પષ્ટતા નથી. અમે નથી જાણતા કે કાયદા કયા ઉદ્દેશથી બનાવવામાં આવ્યા છે. જેના કારણે ઘણા બધા મુકદ્દમાઓ થાય છે, સરકારની સાથે સાથે જનતાને પણ અસુવિધા અને નુકસાન થઈ રહ્યું છે. જાે ગૃહમાં બુદ્ધિજીવી અને વકીલો જેવા પ્રોફેશનલ્સ ના હોય તો આવું જ થાય છે.” સીજેઆઈએ કહ્યું કે, પહેલા સંસદમાં ‘સમજદાર અને સકારાત્મક ચર્ચાઓ થયા કરતી હતી, જેનાથી અદાલતને કાયદાની પાછળના ઉદ્દેશ અને નીયત સમજવામાં મદદ મળતી હતી.

Related Posts