સખી મંડળો દ્વારા અનેક મહિલાઓને ગામડે – ગામડે રોજગારી મળી રહી છે – સાંસદ નારણભાઈ કાછડીયા
અમરેલીમાં પ્રાદેશિક સખી મેળાનો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયાના અધ્યક્ષસ્થાને મંગળવારે સાંજે પ્રારંભ થયો હતો. અમરેલીના રાજમહેલ કમ્પાઉન્ડમાં યોજાઈ રહેલા આ મેળામાં ૧૦ જિલ્લાના ૩૮ સખી મંડળો-સ્વ સહાય જૂથની બહેનો દ્વારા પોતાના ઉત્પાદનો વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે.
‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ‘ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પૂરતું બજાર મળી રહે તથા બહેનોને આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે હેતુથી પ્રાદેશિક સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક સખી મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનિષાબેન રામાણી દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમના પ્રારંભે રમત-ગમત સાંસ્કૃતિ પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત સાંસ્કૃતિ કાર્યક્રમમાં શહેરની વિવિધ શૈક્ષણિક સંકુલના છાત્ર-છાત્રાઓએ સાંસ્કૃત્તિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા.
કાર્યક્રમમામાં પ્રાસંગિક ઉદ્ઘબોધન કરતા સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર-કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા આ મેળામાં બહેનો દ્વારા પોતાનાં ઉત્પાદનો પ્રદર્શન-વેચાણ અર્થે રાખવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને અને તે માટે તેમણે સખી મંડળોના માધ્યમથી ગામડે – ગામડે જાગૃત્તિ ફેલાવવાનું કામ કર્યુ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૧૦ લાખ બહેનોને આશરે રુ.૧,૫૦૦નું ભંડોળ આપવામાં આવ્યું છે. ગૃહ ઉદ્યોગો મહિલાઓને આત્મ નિર્ભર બનાવી અને અનેક મહિલાઓને રોજગારી પુરુ પાડવાનું કામ કરે છે. જેવી રીતે બનાસકાંઠામાં શ્વેતક્રાંતિ આવી છે એવી જ રીતે આપણે પણ સખી મંડળો દ્વારા સહકારિતાના માધ્યમથી બહેનોને આગળ લાવવાનું કામ કરવાનું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૧૯૬ સખી મંડળોને રુ.૩૫ લાખ ૧૫ હજારનું રિવોલ્વીંગ ફંડ આપવામાં આવશે. જ્યારે ૯૬ સખી મંડળોને રુ.૨ કરોડ ૦૮ લાખ ની રકમના સીઆઈએફનું વિતરણ કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે પ્રતિકાત્મક ચેક વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. આ મેળામાં શહેરીજનોને બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
‘ પ્રાદેશિક સખી મેળા‘ના ઉદ્ઘાટન પ્રસંગે મિશન મંગલમના છાયાબેન ટાંક, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી કંચન બહેન, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
Recent Comments