સચિન પોલીસે રૂ. ૧૦ લાખના રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલની ચોરી કરનાર ૪ લોકોને ઝડપી પાડ્યા
દિલ્હી-મુંબઇ રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાખવાના ચાલી રહેલા કામ અંતર્ગત ઉન ખાડી નજીકથી રૂ. ૧૦ લાખના કેબલના ૧૮ ડ્રમની ચોરી થઇ હતી. આ સમગ્ર મામલે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ ગુનામાં સચિન પોલીસે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૫ લાખની કિંમતના વાયર, ટેમ્પો અને ફોરવ્હીલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લ્હીથી મુંબઇ વચ્ચેની રેલવે લાઇનના અંડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાખવાનું કામ ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રાઇટ કોરીડોર કોર્પોરેશનન પાસે કરાવવામાં આવી રહ્યું છે. આ કંપની પાસેથી એલ એન્ડ ટી કંપનીએ દિલ્હીથી મુંબઈ સુધી રેલ્વે લાઈનના અન્ડર ગ્રાઉન્ડ સિગ્નલીંગ કેબલ નાખવાનો કોન્ટ્રકટ રાખ્યો છે.
જેમાં લેબર વર્કથી અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો સબ કોન્ટ્રકટ કતારગામનીની વિન્ડસન એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે. ત્યારે સચિન પલસાણા વચ્ચે સબ કોન્ટ્રાક્ટ દ્વારા રેલવે લાઇનના કેબલનો સામાન રાખવામાં આવ્યો હતો. જે રાત્રે અચાનક અજાણ્યા ઇસમો ચોરીને ફરાર થઈ ગયા હતા. દસ લાખના રેલવે લાઇનના કેબલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વિન્ડસન એન્ટરપ્રાઇઝ દ્વારા ૪ ડિસેમ્બરે એલ એન્ડ ટી કંપનીના ભરૂચના કુકવાડા ખાતેના સ્ટોરમાંથી ૫૦૦ મીટરના લાકડાના ૪૨ ડ્રમ મંગાવવામાં આવ્યા હતા.
હાલમાં કેબલ નાખવાનું કામ ભેસ્તાન રેલવે સ્ટેશનથી સચિન-પલસાણા ફ્લાય ઓવર બ્રિજ વચ્ચે ચાલી રહ્યું હોવાથી કેબલના ડ્રમ સચિન ઉમા કોલ્ડ સ્ટોરેજ નજીક ઉન ખાડીના કિનારે મુકવામાં આવ્યા હતા. જે પૈકી ૨૪ ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ૧૮ ડ્રમ કિંમત રૂ. ૧૦ લાખની મત્તાના ઉન ખાડી કિનારે હતા. જ્યાંથી અઠવાડીયા અગાઉ ૧૮ ડ્રમની ચોરી થઇ ગયા હતા. જેથી વિન્ડસન એન્ટરપ્રાઇઝના માલિક અનંત ગુણવંત આંબલીયાએ સચિન પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ઘટના અંગેની જાણ વિન્ડસન એન્ટરપ્રાઇઝના માલિક દ્વારા સચિન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ચોરી કરનારને ઝડપી પાડવા તપાસમાં જાેડાઈ હતી. પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
હાઇવે અને આસપાસના તમામ સીસીટીવી પણ ચેક કર્યા હતા. દરમિયાન સચિન પોલીસે બાતમીના આધારે કેબલની ચોરી કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં સચિન પોલીસે તપાસ કરી ચોરી કરનાર આરોપી સાગર બાબુલાલ તૈલી, પ્રદીપ તુકારામ સાબળે, અમરજીત સિંગ બબનસિંગ સરજુ પહેલવાન અને મનમોહનસિંગ ટીકમસિંગ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા કેબલ વાયરો પૈકી ૫ લાખની કિમતના ૧ હજાર મીટર કેબલ, ગુનામાં ઉપયોગમાં લીધેલો ટેમ્પો, એક ફોરવ્હીલ કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments