fbpx
ભાવનગર

સણોસરામાં લોકભારતી ખાતે પરિસંવાદ યોજાયો

લોકભારતી સણોસરા ખાતે શૈક્ષણિક વહીવટ અને કેળવણી સંદર્ભે યોજાયેલ પરિસંવાદમાં લોકભારતી સણોસરાના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ્શ્રી ભદ્રાયુ વછરાજાનીએ આચાર્ય હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેન્દ્રમાં રાખે તે જ ખરી કેળવણી હોવાનું જણાવ્યું હતું.

        લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર અને ભાવનગર જિલ્લા ગ્રામ્ય/શહેર આચાર્ય સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘શૈક્ષણિક વહીવટ અને કેળવણી : તત્વ અને તંત્ર અભિમુખતા પરિસંવાદ’ અંતર્ગત સાંપ્રત પરિસ્થિતિ સાથે શિક્ષણ પ્રવાહ સંદર્ભે વક્તવ્યો યોજાયા હતા.

        આ પરિસંવાદમાં લોકભારતી સણોસરાના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ્શ્રી ભદ્રાયુ વછરાજાનીએ શિક્ષણના વિવિધ પાસાઓ સાથે આચાર્યની ભૂમિકા તથા સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી તથા શિક્ષકને કેન્દ્રમાં રાખી કેળવણી માટે આચાર્યની ભૂમિકા મહત્વની રહેલી છે. તેઓએ લોકભારતીના શિક્ષણ મૂલ્યોના ઉલ્લેખ સાથે આચાર્યોને પણ વિવિધ પરિસ્થિતિમાં ખુમારી રાખવા ટકોર કરી હતી.

        ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિ સાથે અહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય વ્યાસે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

        આ પરિસંવાદમાં લોકભારતીના વક્તાશ્રી વિશાલ ભાદાણીએ ‘૨૧મી સદીની કેળવણી માટે તૈયાર?’ વિષય પર વાત કરતા દુનિયાના બદલાયેલા પ્રવાહોની વર્તમાન પરંતુ અચંબાભરી વિગતો રજૂ કરી જેમાંના નવા પ્રવાહોમાં લોકભારતીના અભ્યાસ આયોજનોની વાત કરી હતી.

        લોકભારતીના શ્રી ભૌતિક લીંબાણીએ તેમના વક્તવ્ય સાથે લોકભારતીની નવી શિક્ષણ પ્રણાલી સંદર્ભે વાત કરતા ‘લોકભારતી વિશ્વવિદ્યાલય તમારી શાળાને કેવી રીતે મદદ રૂપ થઈ શકે?’ તે વિષય પર જણાવ્યું હતું.

        સંઘના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ બતાડાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અહી સંઘના મહામંત્રી શ્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા આયોજન પૂર્વભૂમિકા રજૂ કરી હતી.

        આ કાર્યક્રમમાં શ્રી સંજયભાઈ બારોટ, શ્રી ભાવિનભાઈ ભટ્ટ, શ્રી વિજયભાઈ ખટાણા, શ્રી વાઘજીભાઈ કરમટિયા, શ્રી પરેશભાઈ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રસિંહ વાળા સહિત અગ્રણીઓ હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી.

Follow Me:

Related Posts