સણોસરા લોકભારતી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ સપ્તાહ પ્રારંભ
જીવાતા જીવનના વિજ્ઞાન સાથે આપણું પહોંચવું એ સાર્થકતા – લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવે
ભાવનગર જિલ્લામાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉત્સવ સપ્તાહના પ્રારંભે લોકભારતી સણોસરા ખાતે લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ વિજ્ઞાન વિષય સંદર્ભે કહ્યું કે, જીવાતા જીવનના વિજ્ઞાન સાથે પહોંચવું એ સાર્થકતા છે. અહીં શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વડા શ્રી મહિપતસિંહ ચાવડા તથા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણીની મુખ્ય ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર રાષ્ટ્રમાં ૭૫ સ્થાનો પર ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે, જે સંદર્ભે સણોસરા, માઈધાર તથા ભાવનગર ખાતેના આયોજનનો પ્રારંભ સણોસરા લોકભારતી ખાતે દીપ પ્રાગટય સાથે થયેલ છે.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ આ પ્રસંગે ઉદબોધનમાં વ્યવહારુ વિજ્ઞાન અને ગણિત પર ભાર મુક્યો. તેઓએ કહ્યું કે, માત્ર પરિક્ષા હેતુ કે અભ્યાસક્રમ પૂરતું નહિ પણ આ વિષયમાં જીવાતા જીવનના વિજ્ઞાન સાથે પહોંચવું એ સાર્થકતા રહેલી છે. તેઓએ સ્થાનિક લોકવિજ્ઞાન કેન્દ્રની શરૂઆત અને તેઓના આ સંદર્ભે વિશ્વ પ્રવાસની વિગતો સાથે લોકભારતીના શિક્ષણ કેળવણી પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના વડા શ્રી મહિપતસિંહ ચાવડાએ પોતાના પરિવાર આસપાસમાં આંબલા અને સણોસરાના બુનિયાદી શિક્ષણનો ઉલ્લેખ કરી અહોભાવ વ્યક્ત કર્યો. તેઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સંદર્ભે વૈજ્ઞાનિક શ્રી ચંદ્રશેખર રામનના જનકલ્યાણના સંશોધનનો ઉલ્લેખ કરી એકવીસમી સદી એ જ્ઞાનવિજ્ઞાન સાથે સ્પર્ધા અને વ્યાપક તકની સદી ગણાવી અને ઉમેર્યું કે, દ્ષ્ટિ નહિ દ્ષ્ટિકોણ બદલવાની જરૂર છે.
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણીએ સમાજ દ્વારા પ્રકૃતિના જતન પર ભાર મુક્યો અને કહ્યું કે, પ્રકૃતિ સાથે ભાગ પાડવાની આપણી વૃત્તિથી મજા નહિ આવે. તેમણે કેટલીક અંધશ્રદ્ધા પાછળના વૈજ્ઞાનિક મૂળ તર્કોનો ઉલ્લેખ કર્યો.
અહીં લોકભારતીના અગ્રણી શ્રી રામચંદ્રભાઈ પંચોળીની ઉપસ્થિતિ સાથે પ્રારંભ કાર્યક્રમમાં શ્રી હસમુખભાઈ સુથારે મહેમાનોનો પરિચય રજૂ કર્યો હતો.
સણોસરા લોકભારતી ખાતે અધિકારીઓ, મહાનુભાવો, શિક્ષકો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ આયોજન સંચાલનમાં શ્રી વિશાલભાઈ ભાદાણી રહ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ શ્રી કાંતિભાઈ ગોઠીએ કરી હતી.
Recent Comments