ભાવનગર

સણોસરા લોકભારતી યુનિવર્સિટીને નવી દિલ્લી ખાતે રાષ્ટ્રીય કક્ષાએ તૃતિય સ્થાન બહુમાન

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા દ્વારા સંચાલિત લોકભારતી યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન પ્રાપ્ત થયું. છેલ્લાં ઘણાં વર્ષોથી ‘એજ્યુકેશન વર્લ્ડ’ નામનું સામાયિક રાષ્ટ્રીય સ્તરે શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓનું વિવિધ પાસાઓના આધારે આંકલન દ્વારા પસંદ કરી તેમનું દિલ્લી ખાતે બહુમાન કરે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં C4 નામની સર્વે સંસ્થા દ્વારા દેશની યુનિવર્સિટીઓનો વિવિધ રીતે અભ્યાસ કરવામાં આવ્યો જેમ કે કેમ્પસ ડીઝાઇન, શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ, સંશોધન, પરદેશની યુનિવર્સિટીઓ સાથે જોડાણ, કૌશલ્ય શિક્ષણ અને સામાજમાં પ્રદાન, રોજગારલક્ષી અભ્યાસક્રમો વગેરે. કુલ ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ઉદ્યોગ જગતના કર્મચારીઓનો રાષ્ટ્રવ્યાપી સર્વે બાદ દરેક ક્ષેત્રની ઉત્તમ ૧૦ યુનિવર્સિટીને સન્માનિત કરવામાં આવી.

લોકભારતી યુનિવર્સિટીને શ્રેષ્ઠ કૌશલ્ય શિક્ષણ કેટેગરીમાં ભારતની કુલ દસ યુનિવર્સિટીઓમાં તૃતિય સ્થાન બદલ મળેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સમારોહમાં યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિશાલ ભાદાણીએ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરીને સન્માન સ્વીકાર્યું. અહીં નોંધનીય બાબત એ છે કે આ કાર્યક્રમમાં દેશની નામાંકિત યુનિવર્સિટીઓએ ભાગ લીધો જેમ કે એમીટી યુનિવર્સિટી, આઈ.આઈ.ટી. દિલ્લી, બીટ્સ પીલાની, અશોકા યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, વર્લ્ડ યુનિવર્સિટી ઓફ ડીઝાઈન, પીડીઈયુ, રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી, વગેરે. લોકભારતી સંસ્થાનો ઈતિહાસ હંમેશા ગામડાંના વિદ્યાર્થીઓને કૌશલ્યવાન બનાવીને સમાજને અર્પણ કરવાનો રહ્યો છે. આ જ પરંપરાના આ પોંખણા છે. એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ પર દીર્ઘ સંવાદનું આયોજન કરવામાં આવેલું જેમાં ડો. વિશાલ ભાદાણીએ સૌને સાનંદ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ૯૦% પાસાઓ લોકભારતીની શિક્ષણ પ્રણાલીમાં છેલ્લાં ૭૦ વર્ષથી અમલીકૃત છે.
આમ, પૂ. નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળીથી શરુ થયેલી સમાજાભિમૂખ શિક્ષણ પ્રણાલીને આજે ડો. અરુણભાઈ દવે (કુલાધિપતિ), ડો. ભદ્રાયુ વછરાજાની (કુલપતિ) અને સમગ્ર લોકભારતી પરિવાર દ્વારા સંવર્ધિત કરવામાં આવી છે એનું જ આ એવોર્ડ પરિણામ છે.

Related Posts