આ વર્ષે ખેલ મહાકૂંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભાવનગરની નૈમિષારણ્ય શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આજે શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધારીયા અને મહાનુભાવોના હસ્તે રૂા. ૧,૫૦,૦૦૦ ની ઇનામી રાશીનો ચેક મેળવ્યો હતો.
આ શાળાએ છેલ્લાં પાંચ વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આગવી નામના મેળવી છે. આ સ્થાન જાળવી રાખતાં નૈમિષારણ્ય સ્કૂલે ૨૮ ગોલ્ડ મેડલ, ૨૪ સિલ્વર મેડલ અને ૨૬ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પ્રથમ સ્થાને પસંદગી પામી સફળતાની એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે.
આવાં શાનદાર પ્રદર્શન માટે શાળા સંચાલકશ્રી કે.પી. સ્વામીજીએ શાળાના આચાર્યશ્રી તેમજ તેમની સમગ્ર સ્પોર્ટ્સ ટીમને અભિનંદન પાઠવેલ છે.
આ સાથે શહેરની એમ.એસ.લાખાણી શાળાએ બીજો નંબર મેળવીને રૂા. ૧,૦૦,૦૦૦ અને સહજાનંદ વિદ્યાલયને રૂા. ૭૫,૦૦૦ ની ઇનામી રકમ મેળવી હતી.
તે જ રીતે ગ્રામ્યમાં ટીમાણાની ગણેશ શાળાએ પ્રથમ નંબર સાથે રૂા. ૧,૫૦,૦૦૦, દિહોરની વિવેકાનંદ વિદ્યાલયે બીજા નંબર સાથે રૂા. ૧,૦૦,૦૦૦ અને મહુવાની બેલુર શાળાએ ત્રીજા નંબર સાથે રૂા. ૭૫,૦૦૦ ની ઇનામી રાશી જીતી હતી.
Recent Comments