સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં ૨૩ નવેમ્બરથી ૧ ડીસેમ્બર પૂ. મોરારિબાપુની ૯૪૭ મી રામ કથાનો પ્રારંભ ૧૨ વર્ષ પછી રાજકોટમાં પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાશે
રાજકોટ સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭ મી રામકથા યોજાશે. પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.
રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. પૂ. મોરારી બાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે.કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા-ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે. રાજકોટમાં છેલ્લા ૮ વર્ષોથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિઃસંતાન, નિરાધાર, બીમાર ૬૦૦ વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં ૨૦૦ વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે ૧૧ માળના ૭ નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. ૩૦ એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા પરિસરમાં જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં ૧૪૦૦ રૂમ હશે. જેમાં દેશભરના ૫૦૦૦ પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ- વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો હાજર રહેશે. સમગ્રપણે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.
સામાજીક કે શારીરીક રીતે અશકત હોય તેવા કોઈપણ ઉંમરના વ્યકિતઓને સદભાવના વૃધ્ધાશ્રમ, નાતજાત કે ધર્મના ભેદભાવ વગર, હરખભેર આવકારે છે. જો કોઈ નિરાધાર, નિઃસહાય, પથારીવશ કે બીમાર વ્યકિત ધ્યાનમાં આવે,તો તેને સદભાવના વૃધ્ધાશ્રમ સુધી પહોંચાડી શકાય છે. નિસંતાન, નિરાધાર, અપરિણત અને પથારીવશ વડિલો જયારે પોતાનાં રહયાં સહયાં જીવનને અભિશાપ ગણતા, દિવસો વિતાવતા હોય, તેવા એકલવાયા લોકો સદભાવના વૃધ્ધાશ્રમ પરીવારના સભ્ય બન્યા પછી આયખાંના બાકી રહેલા દિવસો સુખ–શાંતિ અને હર્ષથી વિતાવતા, ચહેરા પર સ્મિત ધારણ કરેલા જોવા મળે છે. જે સદભાવના વૃધ્ધાશ્રમ માટે સંતોષની ચરમસીમા સમું દૃશ્ય છે.અત્રે ઉલ્લેખનીય છે કે,સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ ભાગરૂપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી ૭૦ લાખ વૃક્ષો સાથે ૪૦૦ ટેન્કર,૪૦૦ ટ્રેક્ટર અને ૧૬૦૦ માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ.
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર ૧૫૦ શ્વાનોને જીવનપર્યંત આશ્રય-સેવા-સારવાર-સુશ્રુષા કરવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ગૌવંશ બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા,રખડતા,લાચાર,બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં ૧૬૦૦ અનાથ બળદોને સાચવવામાં આવે છે.સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ‘નહિ નફો નહિ નુકસાન’ ના ધોરણે લોકોને દવાઓ પર ૧૫ % થી ૬૦ % સુધી ડિસ્કાઉન્ટ મળે છે.
આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલટર સાહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
તા.૨૩,નવેમ્બર–૨૦૨૪ થી તા.૦૧,ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે યોજાનાર રામકથાને તેમજ સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા પરિવારને હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય સંયોજક પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજીનાં સતત આશીર્વાદ, માર્ગદર્શન મળી રહ્યા છે. ઉલેખનીય છે કે,પ.પૂ પરમાત્માનંદ સરસ્વતીજી સદભાવના વૃધ્ધાશ્રમના માર્ગદર્શક, સંરક્ષક તરીકે સેવા આપી રહયા છે.પતંજલિ વિદ્યાપીઠનાં યોગગુરુ પૂ.બાબા રામદેવ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડૉ.મોહન ભાગવતજી, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી,ગાયત્રી પરિવારનાં ડૉ. ચિન્મય પંડ્યાજી,ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજ સહિતનાં સંતો,મહંતો,જાહેર જીવનનાં અગ્રણીઓ,વૈશ્વિક શ્રેષ્ઠીઓ,દાતાઓ ઉપસ્થિત રહેવાના છે.ઘણાનાં કન્ફર્મેશન પણ આવવામાં છે.રાજકોટ ખાતે ભજન,ભોજન અને સેવાની ત્રિવેણી સમુ ધામ નિર્માણ થવાનું છે.૨૩ નવેમ્બરે તારીખે પોથીયાત્રા નીકળશે. સમગ્ર રામકથામાં રાજકોટ ધૂમાડાબંધ પ્રસાદ લે તેવી પણ આયોજકોની વિનમ્ર ભાવના છે.સમગ્ર કથાનું જીવંત પ્રસારણ દેશ વિદેશની અનેક ચેનલોમાં , સોશ્યલ મીડિયામાં થશે જેથી દેશ વિદેશનાં કરોડો લોકો આ કથા શ્રવણનું લાભ લઇ શકશે.સમગ્ર આયોજનને પ્રિન્ટ,ઈલેકટ્રોનીક, ડીજીટલ મીડીયાના પત્રકાર મિત્રો,તંત્રી સાહેબ શ્રીઓ,પોલીસતંત્ર,
રાજકોટ.મહાનગરપાલીકા,સરકારી તંત્રો,કલેકટર કચેરી,જિલ્લા પંચાયત,પદાધિકારિઓ,અધિકારીઓ ઈત્યાદી,નામી-અનામી સૌનો સુંદર સહયોગ મળી રહયો છે.સત્ય,પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર પૂ.મોરારી બાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠીકા લઈ રાજકોટમાં પધારી રહ્યા છે. “रामहि केवल प्रेम पियारा” નાતે રામકથાના આયોજિત પ્રેમયજ્ઞમાં પૂ.મોરારી બાપુના શ્રીમુખે રામકથાના શ્રવણનો લાભ બહોળી સંખ્યામાં લેવા સૌને જાહેર આમંત્રણ અપાયું છે.પૂ. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.પૂ.મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, ૧૯૬૬ માં ગાંઠિલા તા. વંથલી, માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા.
તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું છે. તેમણે ૯૪૬ કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાં એઆઈ નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ.યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો.આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ.બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે.બાપૂએ તેમને કહ્યું હતું કે,તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ,વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.
તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન સહિત અન્ય ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.પૂ.મોરારીબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ,પુણ્ય આહુતિ આપી છે.પૂ.બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે.વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. બાપુએ મહાત્મા ગાંધી વિશે ત્રણ કથાઓ કરી:અમદાવાદના સાબરમતી આશ્રમમાં, દાંડીમાં અને દિલ્હી રાજઘાટ પર. જેરુસલેમમાં ઇસુ ખ્રિસ્ત વિશે અને એથેન્સમાં સૉક્રેટિસ-પ્લેટો-ઍરિસ્ટોટલ વિશે કથા કરી.
આદિ શંકરાચાર્ય વિશે એમના જન્મસ્થાન કાલડી જઈને કથા કરી. મહાકવિ નિરાલા વિશે,મહર્ષિ અરવિંદ વિશે અને ટાગોર વિશે બીધાપુર,પોંડિચેરી અને શાંતિનિકેતનમાં કથા કરી.સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બારડોલીમાં, મીરાં વિશે મેડતા (રાજસ્થાન)માં,બુદ્ધ વિશે સારનાથ અને પછી બુદ્ધગયામાં તથા શ્રીમદ્ વલ્લભાચાર્ય વિશે ચંપારણ્યમાં રામકથા કરી.કન્ફયુસીયસ વિશે ચીનમાં જઈને કથા કરવાની બાપુની ઈચ્છા છે.બાપુએ શ્રીમદ્ ભાગવત પુરાણમાં આવતા ગોપીગીતના ૧૯ શ્લોક વિશે ૧૯ કથાઓ કરી છે.કિન્નરોને સામાજિક સ્વીકૃતિ અપાવવાની પહેલ બાપુએ કરી છે.લીમખેડામાં એમણે આદિવાસીઓને-વનવાસીઓને કેન્દ્રમાં રાખીને રામકથા કહી હતી, વ્યારા અને સુબીર (ડાંગ)માં પણ એમણે આ જ સમાજને કેન્દ્રમાં રાખીને ‘રામચરિત માનસ’ની વાત કરી હતી.મુંબઈ (ક્રાઁસ મેદાન) અને કોલકાતામાં ગિરિ-વનવાસી સમાજ એમની કથાના કેન્દ્રબિંદુમાં હતો. વણકર સમાજને એમણે સરલી (કચ્છ)ની કથાના કેન્દ્રમાં રાખ્યો. વણકર સમાજ માટે નાંદરખી (માંગરોળ)માં પણ કથા કરી. પૂ. મોરારી બાપુ રામકથા સોના છોડો, ચાંદી છોડો, સબ કુછ છોડો પર ભુલ કર ભી રામકથા મત છોડો. રાજકોટ બનશે રામકોટ. આધિ, વ્યાધિ, ઉપાધિમાંથી મુકત કરતા રામકથા શ્રવણ અને મહાપ્રસાદને ગ્રહણ કરવાનું જાહેર આમંત્રણ, જેના અન્ન ભેગા તેના મન ભેગા. કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજન–મહાપ્રસાદ પીરસવાનો વિચાર રાજકોટના હાર્દસમા રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સદભાવના વૃધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્ય–દિવ્ય આયોજન થઈ રહયું છે. સર્વે ધર્મ, સર્વે જ્ઞાતીના સમાજોને ‘એક થવાનો અવસર’.
રામકથામાં આવવા–જવા માટે શહેરના અલગ–અલગ વિસ્તારોમાંથી સીટી બસ સેવા ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નો કરાશે. વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં ૧૦.૦૦૦ રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવાનો પ્રયાસ થશે.
આયોજનનું ગ્રાન્ડ રીર્હસલ પણ થશે, રામકથાનાં તમામ સ્વયંસેવકોને ઓળખપત્ર અપાશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે. ૪૦૦૦ થી વધુ સ્વયંસેવકો ખડેપગે રહેશે. ‘થેલેસેમીયા મુકત સમાજ’ બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે.
સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવંત પ્રસારણ કરાશે.એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગ–સ્તરના આબાલ વૃધ્ધ, ગરીબ–તવંગર સૌ કથા શ્રાવકો માટે ‘હરહીર’ નું આયોજન તમામ લોકોને મેસેજ, આમંત્રણ, માહિતી પહોંચે તેવા ઉમદા અને પવિત્ર આશયથી ૨૫ કિલોમીટર લાંબી એવી ‘ભવ્ય આમંત્રણ રેલી’નું આયોજન કરાશે.
રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શરૂ કરાશે જેમાં દરરોજ રાત્રે મીંટીગોનો ધમધમાટ, કાર્યોની વહેંચણી, માઈક્રો પ્લાનીંગ, પ્રચાર–પ્રસાર, સહિતનાં વિભાગો કાર્યરત બનશે. રામકથામાં વ્યસન મુક્તિ અભિયાન પણ થશે, હજારો લોકો વ્યસન મુક્ત બનશે.ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા-જીવદયાનાં સંકલ્પ પત્રો લોકો ભરશે.
સદભાવના વૃધ્ધાશ્રમ,’પીપળીયા ભવન’, સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી–માર્ટ વાળી શેરી, રાજકોટ-૩૬૦૦૦૪. સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.૨૩ નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે.
Recent Comments