સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ડાંગ સાથે કેટલીક યાદગાર પળો
‘ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા’ ને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા મહાનાયક અમિતાભ બચ્ચનનો એટ્લે કે તા.૧૧મી ઓકટોબરે ૮૦મો જન્મ દિવસ છે. આ વેળા તેમની ડાંગ મુલાકાતના સંસ્મરણો વાગોળતા આહવાના વિઝન પેલેસના બાલાભાઈએ ‘ચાય પે ચર્ચા’ કરતા જણાવ્યુ હતુ કે, બચ્ચન સાહેબની બે દિવસની ડાંગ જિલ્લાની એ મુલાકાત તેઓ ક્યારેય ભુલી શકે તેમ નથી. પડછંડ કાયા, ઘેઘુર અવાજ અને ખુબ જ અનોખી પ્રતિભા ધરાવતા અમિતાભ બચ્ચનનો સાક્ષાત્કાર અને તેમની બિલકુલ નજીક, કહો કે અડોઅડ બે દિવસ સાથે રહેવાનો મોકો તેમને મળ્યો હતો. આહવાના આ બાલાભાઈ પાસે સને ૨૦૧૨માં જ્યારે અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમના બ્રાંડ એમ્બેસેડર તરીકે અહી પધાર્યા હતા. ત્યારે મહિન્દ્રા જીપ (૫૪૦ મોડેલ) હતી. ‘ખુશ્બુ ગુજરાત કી’ એડ ફિલ્મમાં જ્યારે સાપુતારાનું શુટીંગ ચાલી રહ્યું હતુ ત્યારે ગુજરાત ટુરીઝમે આ ખુલ્લી જીપનો બચ્ચન બાબુ માટે ઉપયોગ કર્યો હતો. આ જીપ બચ્ચને સ્વયં ડ્રાઈવ કરીને એડ ફિલ્મનું ફિલ્માંકન પૂર્ણ કર્યું હતુ.
બાલભાઈએ આ જીપ સાથે અમિતાભ બચ્ચનની એ યાદોને જીવંત રાખતા તેનુ આજે પણ જીવની જેમ જતન કરી રહ્યા છે. વ્હાઈટ સ્પોર્ટ્સ શુઝ, બ્લુ જીન્સ, વ્હાઈટ શર્ટ અને બ્લેક જેકેટમા સજ્જ અમિતાભ બચ્ચને ગિરિમથક સાપુતારા સહિત તળેટીમા શામગહાન અને ચીખલી ગામે પણ ‘ખુશ્બુ ગુજરાત કી’ એડનું ફિલ્માંકન કર્યું હતુ. આ વેળા ચીખલી ગામે તેમણે ટ્રેડિશનલ ડાંગી ફૂડ (નાગલીનો રોટલો અને વાંસનુ અથાણું) પણ આરોગ્યુ હતુ. એડ ફિલ્મમા ડાંગની વારલી પેઇન્ટિંગ અને ભવાડા જેવી કળાને પણ સ્થાન મળ્યુ છે. આમ, આહવાના બાલાભાઈએ આજે અમિતાભ બચ્ચનના ૮૦મા જન્મદિવસે તેમની સાથેના સંસ્મરણો વાગોળી સુખદ ક્ષણોને ફરીથી જીવીત કરી હતી.
Recent Comments