સમગ્ર જિલ્લામાં PMJAY યોજના અંતર્ગત કુલ ૫,૮૦,૬૬૧ કાર્ડ એનરોલમેન્ટ
આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-PMJAY કાર્ડ વિતરણ કાર્યક્રમ લીલીયા રોડ, અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો હતો. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નિયત માપદંડ ધરાવતાં પરિવારને વાર્ષિક ધોરણે રુ.૫ લાખનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવે છે. આ યોજનામાં જોડાયેલ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં રુ.૫ લાખ સુધીની પ્રાથમિક, સેકન્ડરી અને અસાધ્ય રોગની સારવાર માટે આયુષ્માન કાર્ડ ધરાવતાં હોય તેવા લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે, આ ઉપરાંત યોજના સાથે જોડાયેલા તમામ હોસ્પિટલ ખાતે આરોગ્ય મિત્ર પણ ઉપલબ્ધ હોય છે, જે લાભાર્થીને સારવાર સમયે વિશેષ માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં PMJAY યોજના અંતર્ગત કુલ ૫,૮૦,૬૬૧ કાર્ડ એનરોલમેન્ટ થયા છે ઉપરાંત અત્યાર સુધીમાં જિલ્લાના કુલ ૧,૩૮,૨૦૪ લાભાર્થીઓને નિ:શુલ્ક સારવારનો લાભ પ્રાપ્ત થયો છે. ઓક્ટોબર-૨૦૨૨ સુધીમાં કુલ મળીને ૨૮૮.૪૭ કરોડ રૂપિયાના ક્લેમની નોંધણી થઈ છે. સમગ્ર રાજ્યમાં હાલ કુલ ૨,૭૩૯ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવે છે. ગુજરાત વર્ષ ૨૦૨૧-૨૨માં સૌથી વધુ આયુષ્માન કાર્ડ પ્રદાન કરવામાં સમગ્ર દેશમાં મોખરે છે આથી ગુજરાતે આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર-૨૦૨૨ પ્રાપ્ત કર્યો છે.
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યુ કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત આજે સમગ્ર દેશમાં અલગ અલગ રોગની સારવાર વિનામૂલ્યે લાભાર્થીઓને પ્રાપ્ત થઈ રહી છે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, ગુજરાતનું અમૃતમ વાત્સલ્ય મા કાર્ડ હવે સમગ્ર ભારતમાં આયુષ્માન કાર્ડ તરીકે કન્વર્ટ થઈને દેશના આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારનું આરોગ્ય કવચ બન્યું છે. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાએ, જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ વિતરિત કર્યા હતા.
જિલ્લા કક્ષાના આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ, ચેરમેનશ્રી મુકેશભાઈ બગડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments