અમરેલી જિલ્લામાં સર્વે તથા રોકડ સહાય ચુકવણીની વિતરણની કામગીરી પૂરજોશમાં
સાવરકુંડલા, તા. ૨૩
તાઉ’તે વાવાઝોડાને પગલે અમરેલીના દરેક તાલુકાઓમાં થયેલ નુકશાનના સર્વેની કામગીરી કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ સિવાય જિલ્લામાં રોકડ સહાય અને ઘરવખરી સહાય સહિતની સર્વેની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
સાવરકુંડલાની પરિસ્થિતિ વિશે વાત કરતા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહિલ જણાવે છે કે વાવાઝોડા પૂર્ણ થયાના માત્ર ગણતરીની કલાકોમાં શહેરી વિસ્તારમાં ૭ ટીમો દ્વારા સર્વેની કામગીરી આરંભી દેવામાં આવી હતી જેમાં ૩૬૨ જેટલા અસરગ્રસ્ત કુટુંબો મળી આવતા ખુબ જ ટૂંકા ગાળામાં સહાય આપવામાં આવી હતી. તેવી જ રીતે સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો તાલુકાના કુલ ૭૬ જેટલા ગામો પૈકી ૬૯ જેટલા ગામોમાં હાલ કામગીરી ચાલુ છે. આવતીકાલ સાંજ સુધીમાં સમગ્ર તાલુકામાં રોકડ સહાય આપી દેવામાં આવશે. આ ઉપરાંત ઘરવખરી સહાય માટેનો સર્વે પૂર્ણતાના આરે છે જે પૂર્ણ થતાં અસરગ્રસ્ત લોકોમાં ખાતામાં ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફરથી સહાય ચુકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે લોકોને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા બાદ લોકોને હાલાકી ન પડે તેવા ઉમદા આશયથી આ કામગીરીને ટોચ અગ્રતા આપીને લોકો સુધી ઝડપથી સહાય- મદદ મળે તે માટે વિના વિલંબે આ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારની ત્વરિત નિર્ણાયકતાને કારણે ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જનજીવન થાળે પડે અને પૂર્વવત થઈ ધબકતું થાય તે માટે રોકડ સહાય સહિતની તમામ સહાય ઝડપથી ચૂકવણી થાય તે માટે સરકાર કટિબધ્ધ છે. તેના પગલે માનવ મૃત્યુ સહિતના નુકશાનના આધાર- દસ્તાવેજો મેળવીને ત્વરિત ચૂકવણી કરી શકાય તે માટે ઘરે-ઘરે જઇને કર્મચારીઓ દ્વારા લોકોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર સાવરકુંડલા તાલુકામાં આવતીકાલ સુધીમાં અસરગ્રસ્તોને રોકડ સહાય ચુકવણી પૂર્ણ થઈ જશે : સાવરકુંડલા પ્રાંત અધિકારી આર આર ગોહિલ


















Recent Comments