સમી પંથકના ખેડૂતો પાસેથી વેપારીઓએ ચણા નીચા ભાવે ખરીદી ટેકાના ભાવે વેચ્યાનો આક્ષેપ

ખેડૂતોને ચણાના પાકનો લઘુત્તમ ભાવ મળી રહે તે માટે સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે. પાટણમાં ગુજકોમાસોલ દ્વારા સમી તાલુકા કૃષિ બિયારણ મંડળીને ટેકાના ભાવે ચણા ખરીદ વેચાણની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કુલ ૧૮૦૦ ખેડૂતોના નામે ચણા વેચાણની ઓનલાઇન નોધણી કરવામાં આવી હતી. જે પૈકી ૧૪૫૦ જેટલા ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેચાણ કરવામાં આવ્યા છે. ત્યારે સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યાં છે. ખેડૂતોના નામે નોંધણી કરવામાં આવી છે.
તેમાં મોટા ભાગના વેપારીઓએ ખેડૂતોના નામે ખોટી રીતે વાવેતરના દાખલા, મોબાઈલ નંબર ખોટા રજૂ કરી વેપારીઓએ ખેડૂતો પાસેથી નીચા ભાવે ચણા ખરીદ કરી સરકારના ટેકાના ભાવે કૃષિ બિયારણ મંડળીને ચણા વેચાણ કરી સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. સમી તાલુકાની કૃષિ બિયારણ મંડળી દ્વારા વેચાણ થયેલી નોધણીની તપાસ હાથ ધરવામાં આવે તો ખેડૂતોના નામે ચણા ખરીદ વેચાણમાં લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. પોતાના નામે ચણા વેચાણ માટે ખોટું રજીસ્ટ્રેશન થયેલું હોવાનું હારીજના ખેડૂત કનુ ઠાકરે જણાવ્યું હતું. તેઓએ સમી ખાતે રજીસ્ટ્રેશન થયેલી મંડળી ઉપર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, અગાઉ પણ હારીજ રજીસ્ટેશન મંડળીમાં વેપારીઓએ ખેડૂતના નામે ખોટા રજીસ્ટ્રેશન કરી સસ્તા ભાવે ચણાની ખરીદી કરી સરકારને મોટું નુકસાન કર્યું હતું. જે બાદ સમી મંડળીમાં પણ આજ કૌભાંડ આચરાયું છે. આમાં પણ સરકાર દ્વારા તપાસ થાય તો મોટું ચણા કૌભાંડ બહાર આવે તેવી શંકા તેઓએ વ્યક્ત કરી હતી. ખોટા આધાર પુરાવા ટેલિફોન નંબરો રજૂ કરી ઓન લાઈન નોંધણી કરાવી હોય તેની તપાસની જવાબદારી સરકારની હોય છે અમારી મંડળીની નહી.
Recent Comments