સરકારને વચનો યાદ કરાવવા એસ. ટી. કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે
ગુજરાત સરકારે લેખીતમાં ગ્રેડ- પે અને ૧૧ ટકા મોંઘવારી આપવાના વચન આપ્યા હતા. આ વચન આપ્યાના ૬ માસ થવા આવ્યા છતા આજ દિન સુધી લાભ નહી અપાતા એસ.ટી. કર્મચારીઓમાં રોષ ભભુકયો છે. જેથી, રાજય સરકારને વચનોની લ્હાણી યાદ કરાવવા વધુ એક વખત રાજયના એસ.ટી.ના કર્મચારીઓ આંદોલનના માર્ગે જાય તેમ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે બરોબર ત્યારે જ ફરી રાજ્યનાં એસ.ટી. નિગમનાં કર્મચારીઓ હડતાળ સહિત આંદોલનનું શ ઉગામે તેવા સંકેતો મળી રહ્યા છે. આજથી છ માસ અગાઉ ગુજરાત રાજ્યનાં એસ. ટી નિગમના કર્મચારીઓએ ગ્રેડ-પે, મોંઘવારી સહિતના પડતર પ્રર્શ્નો અંગે સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા હતા અને પ્રથમ તબક્કામાં ધરણા-સુત્રોચ્ચારો બાદ બે મુદતી હડતાળ પણ પાડી હતી.
આ હડતાળ બે કે ત્રણ દિવસ જેટલો સમય ચાલી હતી અંતે સરકારે એસટી કર્મચારીઓનાં ત્રણેય યુનિયનોની બનેલી સંકલન સમિતિ સાથે સમાધાન બેઠક કરી એસટી કર્મચારીઓના પ્રશ્નો હલ કરવા માટે ખાતરી આપેલ હતી જેમાં ખાસ કરીને એસટી કર્મચારીઓને ગ્રેડ-પે અને ૧૧ ટકા મોંઘવારીનો લાભ આપવાનું લેખીત સમાધાન થયું હતું. જો કે સરકાર દ્વારા આ લેખીતમાં સમાધાન છતાં આજે છ માસ જેટલો સમય વિતી ગયો હોઇ આજ સુધી સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને ગ્રેડ-પે અને ૧૧ ટકા મોંઘવારીનો લાભ આપવામાં આવેલ નથી. સરકાર દ્વારા લેખીતમાં આપવા છતાં ગ્રેડ-પે અને મોંઘવારીનો લાભ આજ સુધી આપવામાં ન આવતા રાજ્યભરના ૪૦ હજાર કર્મચારીઓમાં ફરી ભારે આક્રોશની લાગણી જન્મી છે ત્યારે એસટી નિગમનાં કર્મચારી મહામંડળના આગેવાનોના જણાવ્યા મુજબ બુધવારના રોજ એસટી કર્મચારીઓના ત્રણેય યુનિયનોની બનેલી સંકલન સમિતિની એક મહત્વની મીટીંગ રાખવામાં આવી છે.આ મીટીંગમાં એસટી કર્મચારીઓને ગ્રેડ-પે અને મોંઘવારીનો તાત્કાલીક લાભ આપવામાં આવે તે મુખ્ય મુદ્દો ચર્ચાશે અને સરકાર સામે ફરી આંદોલન પુનઃ જીવિત કરવા અંગે રણનીતિ ઘડવામાં આવશે તેવું એસટી કર્મચારીઓની સંકલન સમિતિના આગેવાનોએ જણાવેલ હતું.
Recent Comments