સરકાર માટે કંગના દેશપ્રેમી છે અને હક માંગતા ખેડૂતો દેશદ્રોહી છેઃ સંજય રાઉત
રાજ્યસભામાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે દેશભક્તિને લઈને સવાલ ઉઠાવતા મોદી સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં બોલતી વખતે રાઉતે પત્રકાર અર્નબ ગોસ્વામી અને બોલિવૂડ અભિનેતી કંગના રનૌતને પણ નિશાને લીધા હતાં.
રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન શુક્રવારે શિવસેના સાંસદ સંજય રાઉતે અર્નબ ગોસ્વામી અને કંગના રાણાવત વિશે કટાક્ષ કર્યો હતો. રાઉતે કહ્યું હતું કે, દેશ પ્રેમી કોણ છે આપણા દેશમાં? માત્ર અર્નબ ગોસ્વામી અને કંગના રનૌત જ? અર્નબના કારણે મહારાષ્ટ્રમાં એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી દેવાઈ. આ દેશપ્રેમી છે, પરંતુ પોતાના હક માટે લડતા ખેડૂતો દેશદ્રોહી છે.
શિવસેના સાંસદે વધુમાં અર્નબ ગોસ્વામીની વાત કરતાં કહ્યું હતું કે, જેણે ઓફિશિયલ સિક્રેટ કોડ તોડીને બાલાકોટ સ્ટ્રાઈક વિશે પહેલા જ જણાવી દીધું, તે તમારી એટલે કે કેન્દ્ર સરકારની શરણમાં છે. તેને તમારું પ્રોટેક્શન છે. આ નેશનલ સિક્યોરિટીનો મુદ્દો છે. તમે એ વિશે વાત નથી કરતા.
શિવસેના નેતા રાઉતે એમ પણ કહ્યું હતું કે, કાલે ધર્મેન્દ્ર પ્રધાન બોલી રહ્યા હતા અને વારંવાર અમારા તરફ કટાક્ષ કરતા હતા કે સાચુ બોલો તો મોક્ષ પ્રાપ્તિ થશે, પરંતુ આજે દેશમાં એવી સ્થિતિ છે કે સાચું બોલનારને ગદ્દાર કહેવામાં આવે છે. જે સરકારને સવાલ પૂછશે તેને દેશદ્રોહી કહેવામાં આવશે.
Recent Comments