ગુજરાત

સરગાસણમાં શરણમ કન્સ્ટ્રક્શન સાઇટના ગોડાઉનમાંથી ૩.૨૬ લાખની ચોરી

ગાંધીનગરનાં સરગાસણ ટીપી ૯માં આવેલી શરણમ કન્સ્ટ્રક્શન સાઈટનાં ગોડાઉનના દરવાજાનું તાળુ તોડી તસ્કરો અત્યંત મોંઘી કિંમતના જેકવાઆર કંપનીના રૂ. ૩.૨૬ લાખની કિંમતના બાથ ફિટિંગના પ્લમ્બિંગનો સામાન ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


ગાંધીનગરનાં ઉવારસ ગામે રહેતા આશિક જયેશભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ સરગાસણ ટીપી ૯માં શરણમ કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલી રહ્યું છે. જેનાં કારણે અત્રે ગોડાઉન બનાવીને બિલ્ડીંગ મટીરીયલ્સનો સામના રાખવામાં આવે છે. ગત તા. ૨૪ જુલાઈના રોજ સાઈટ પરનું કામ પૂર્ણ થઈ જતાં સાંજે આશિક પટેલ ઘરે ગયા હતા.

બીજા દિવસે શરણંમ સાઈટના સુપરવાઇઝર કલ્પેશભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે, ગોડાઉનમાંથી પ્લમ્બિંગનાં સામાનની ચોરી થઈ છે. જેથી આશિકભાઈ તુરંત સાઈટ પર દોડી આવ્યા હતા. ત્યારે ગોડાઉનના દરવાજાનું તાળુ તૂટેલું હતું. આથી તેમણે ગોડાઉનમાં રાખેલ સામાન ચેક કરતા પ્લમ્બિંગ સામાન ભરેલ કુલ ૧૭ નંગ બોક્સ તેમજ બે કોથળા ગાયબ હતા.

ચોરી થયોલા માલમાં જેકવાઆર કંપનીના અપર પાર્ટ કુલ નંગ-૭૬ કિ. રૂ. ૬૦ હજાર, સ્પાઉટ નંગ – ૧૨૪ કિ. રૂ. ૧ લાખ, એંગલ કોક નંગ – ૨૯૨ કિ. રૂ. ૮૭ હજાર, પીલર કોક નંગ – ૧૬ કિ. રૂ. ૧૭ હજાર તેમજ બિંબ કોક નંગ – ૧૦૪ કિ. રૂ. ૬૨ હજાર મળી કુલ રૂ. ૩.૨૬ લાખની કિંમતનો સામના ચોરાઈ ગયો હતો. જેનાં પગલે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિતના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ પ્લમ્બિંગનાં સામાનનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ બનાવના પગલે ફરિયાદ નોંધાતા અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts