fbpx
ગુજરાત

સરગાસણ બ્રિજ પાસે કારની ટક્કરથી એક્ટિવા સ્કૂલ બસમાં ઘૂસી જતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું

ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે સ્કૂલ છૂટવાના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં સામેથી રોંગ સાઈડમાંથી આવતી વેગનઆર કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાં કારણે વેદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ – ૧૦ ના વિદ્યાર્થીએ એક્ટિવા પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા નજીકથી પસાર થતી સ્કૂલ બસમાં ઘૂસી ગયું હતું. એજ વખતે બસનું ટાયર ફરી વળતાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવના પગલે પોલીસે સ્થળ પર પહોંચી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના મૂળ અડાલજનાં મુખીવાસમાં રહેતાં મૂકેશભાઈ પુરોહિતનાં પરિવારમાં પત્ની અને એકનો એક પુત્ર મીત હતો. પંદર દિવસ અગાઉ જ મૂકેશભાઈ પુત્રના અભ્યાસ અર્થે સરગાસણની રુદ્ર સોસાયટીમાં રહેવા અર્થે આવ્યા હતા. અહીંની વેદ ઇન્ટર નૅશનલ સ્કૂલમાં ધોરણ – ૧૦ માં અભ્યાસ કરતો મીત રાબેતા મુજબ એક્ટિવા લઈને સ્કૂલે અભ્યાસ અર્થે ગયો હતો. અને બપોરના સ્કૂલ છૂટયા પછી મીત એક્ટિવા લઈને ઘરે પરત જઈ રહ્યો હતો.

ત્યારે સરગાસણ બ્રિજ પાસેનાં રોડ પરથી સામેથી આવતી વેગનઆર કારના ચાલકે પોતાની કાર બેફિકરાઈથી હંકારીને એક્ટિવા ને ટક્કર મારી મારી હતી. જેનાં કારણે એક્ટિવા પરનો કાબુ ગુમાવી દેવાથી મીત નજીકથી પસાર થતી સ્કૂલમાં એક્ટિવા સાથે ઘૂસી ગયો હતો. જેનાં કારણે એક્ટિવા બસનાં નીચે આવી જતાં મીત પરથી ટાયર ફરી વળ્યું હતું. આ વિચિત્ર અકસ્માતમાં મીતને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. ત્યારે સ્કૂલ બસમાં સવાર વિધાર્થીઓ પણ અકસ્માત સર્જાતા ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા.

આ બનાવના પગલે આસપાસના રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં મૃતકના માતા પિતા સહીતના પરિચિતો સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં એકના એક પુત્રને મરણ ગયેલી હાલતમાં જાેઇને દંપતીએ હૈયાફાટ રૂદન કરી મૂક્યું હતું. બનાવના પગલે વાતાવરણમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.

Follow Me:

Related Posts