fbpx
ભાવનગર

સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી જી.એલ. કાકડિયા કોલેજ ખાતે નેશનલ ગેમ્સની જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

ભાવનગરની કાળીયાબીડ ખાતે આવેલ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આવેલી જી.એલ. કાકડિયા કોલેજ ખાતે નેશનલ ગેમ્સની જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

        આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આશરે ૭ વર્ષના અંતરાલ પછી આ નેશનલ ગેમ્સ દેશમાં યોજાઇ રહી છે. અગાઉ આ ગેમ્સ કેરાલામાં રમાઈ હતી અને હવે આ વર્ષે ગુજરાત રાજ્યમાં ૩૬ મી નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે.

        દેશના દરેક યુવાનો ખેલ પ્રત્યે આકર્ષિત થાય તેમજ ઓનલાઈન ગેમિંગના બદલે ગ્રાઉન્ડ પર આવી વિવિધ રમતો માટે તૈયાર થઈ આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આગળ વધે તે દિશામાં આગળ વધવાં માટે આ પ્રકારની ગેમ્સથી મોટો ફાયદો થતો હોય છે.

        તેમણે વધુમાં જણાવ્યું કે, આ નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાવાં જઈ રહી છે. એ પૈકી ભાવનગર ખાતે વોલીબોલ, હેન્ડબોલ, બાસ્કેટબોલ જેવી રમતો સીદસર ખાતે આવેલાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે.

        જે બાળકો ઝોન કક્ષાએ રમવાં જાય છે. તેઓ ગોલ્ડ મેડલ લાવવાં તરફ પ્રયત્ન કરે અને તેનાથી પણ આગળ વધી ઓલિમ્પિક મેડલ માટે પ્રયત્ન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. રાજ્ય સરકાર અત્યારે વિવિધ રમતોમાં આગળ વધવાં માટે શક્તિદૂત યોજના દ્વારા લાખો રૂપિયાની મદદ કરે છે.

        તેમણે વધુમાં જણાવ્યું કે, ગેમ માત્ર મેન્ટલ ફિટનેશ આપે છે તેટલું ન નહીં વિવિધ ગેમમાં તમે કારકિર્દી ઘડી શકો છો. ભાવનગરના ચેતન સાકરીયા અને શેલ્ડન જેક્સને જે રીતે ક્રિકેટમાં નામના કમાઇ છે તેવી અન્ય રમતોમાં આગળ વધીને હાંસલ કરવાં માટેની પ્રેરણા ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી.

        કમિશનરશ્રીએ ખેલાડીઓનો ઉત્સાહ વધારતાં બાસ્કેટ બોલ અને ટેબલ ટેનિસ રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ખેલ મહાકૂંભમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને ઇનામી રકમના ચેક આપીને સન્માનિત પણ કરી હતી.

        આ કાર્યક્રમમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી નાનુભાઈ વાઘાણી, ડાયરેક્ટરશ્રી જીજ્ઞેશભાઈ ગાબાણી, એડમિનિસ્ટ્રેટરશ્રી જી.બી.પટેલ સહિત શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts