સરદાર પટેલ યુનિવર્સિટીના ચકચારી કરોડોના હિસાબી ગોટાળાનો રિપોર્ટ રજુ કરાયો:તત્કાલિન ઓડિટર, વર્તમાન ચીફ એકાઉન્ટટન્ટ તથા વર્તમાન ઓડિટરની કામગીરી પરત્વેની બેદરકારી હિસાબી ગોટાળા પાછળ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ
યુનિવર્સિટીના મહત્વના રૂપિયા ૩૭.૩૦ કરોડના કૌભાંડ અને બાયો સાયન્સની આગના રિપોર્ટમાં હવે જવાબદારો વિરૂદ્ધ શું પગલાં લેવા તે સિન્ડીકેટ સભ્યો નક્કી કરશે. હિસાબી ગોટાળાનો રિપોર્ટ તથા બાયો સાયન્સની આગનો રિપોર્ટ આગામી ૨૨મી ઓક્ટબર, શુક્રવારે મળનારી સિન્ડીકેટ બેઠકમાં રજૂ કરાશે. જેને પગલે હવે સૌની નજર બેઠક પર રહેશે.વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ચકચારી રૂપિયા ૩૭.૩૦ કરોડના હિસાબી ગોટાળાનો રિપોર્ટ યુનિવર્સિટીમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે તત્કાલિન ઓડિટર, વર્તમાન ચીફ એકાઉન્ટટન્ટ તથા વર્તમાન ઓડિટરની કામગીરી પરત્વેની બેદરકારી હિસાબી ગોટાળા પાછળ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, ત્રણેયની મિલિભગતથી ૧૬૪૯ હવાલા એન્ટ્રીમાં તેઓ દ્વારા કોઈ પણ પુરાવા-વાઉચર વિના ‘એડજસ્ટમેન્ટ એન્ટ્રી’ પાડી દઈ હિસાબી ગોટાળા કરાયા છે. આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યુનિવર્સિટીના રૂપિયા ૩૭.૩૦ કરોડના હિસાબી ગોટાળા વર્ષ ૨૦૧૪-૧૫ના વર્ષના છે. જેમાં યુનિવર્સિટી ઓવન ફંડ-જનરલ ફંડ ઊભું કરી હવાલા એન્ટ્રીઓ દ્વારા રૂપિયા ૨૯.૨૨ કરોડ ઉધાર કર્યા હતા. જ્યારે કેપિટલ ગ્રાન્ટ ફંડ જનરલમાં રૂપિયા ૮.૦૮ કરોડ ઉધાર કર્યા હતા. આમ, બંને મળી કુલ રૂપિયા ૩૭.૩૦ કરોડની જમા બાકી સમગ્ર ગોટાળાની તપાસનો ભાગ બની હતી. આ બાકી રકમ વર્ષ ૨૦૧૯-૨૦ સુધી ‘યુનિવર્સિટી ઓવન ફંડ’ હેઠળ દર્શાવી હતી. દરમિયાન, ગત મે માસની સિન્ડીકેટ બેઠકમાં સમગ્ર બાબતે કમિટીની નિમણુંક કરી તપાસ કરવાનું નક્કી થતાં હિસાબી ગોટાળાની તપાસ અર્થે નિવૃત જસ્ટીસ ડી. જે. કારીયાના ચેરમેન પદ હેઠળ નિવૃત તિજાેરી અધિકારી નરેન્દ્રભાઈ દવે, પ્રોફેસર પી.કે. પ્રિયન, સી.એ. સંજીવ શાહ, અને ચરોતર એજ્યુકેશનના ચેરમેન કેતન પટેલના વડપણ હેઠળ કમિટીની નિમણુંક કરાઈ હતી. કમિટી દ્વારા પાંચ મહિનાની મહેનત બાદ તૈયાર કરાયેલા રિપોર્ટમાં વર્ષ ૨૦૧૪-૧૫માં કરાયેલી કુલ ૫૪૯૬માંથી ૧૬૪૯ હવાલા એન્ટ્રીનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, એન્ટ્રીઓ કોઈ ચોક્કસ ફંડને અસર નથી કરતી. પરંતુ જુદા-જુદા ફંડ, સ્થાવર મિલકત, રોકાણ, આવક અને ખર્ચ, ચાલુ મિલકત તથા ચાલુ દેવાને પણ અસર કરે છે. તત્કાલિન ઓડિટર મે. કે.જી. પટેલ અને કાું દ્વારા જે એકાઉન્ટસ તૈયાર કરવા માટે કામગીરી સંભાળી હતી, તેમાં તેઓએ જે હવાલા એન્ટ્રી કરી તેમાં પુરતા આધારરૂપ કાગળો રાખ્યા નથી. તથા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સની પણ પૂરતી ચકાસણી કરી નથી. આ ઉપરાંત તત્કાલિન ઓડિટર કે. જી. પટેલ દ્વારા જે એકાઉન્ટસ તૈયાર કર્યા અને તેમાં મુખ્ય હિસાબી અધિકારીએ સહી કરી છે. પરંતુ તેમાં હિસાબી શાખા દ્વારા આપવામાં આવેલા હિસાબ બાકીઓ અને ઓડિટર દ્વારા વાર્ષિક હિસાબોમાં હવાલા નાંખ્યા બાદની બાકીઓમાં તફાવત છે. આમ, તત્કાલિન ઓડિટર કે. જી. પટેલ અને મુખ્ય હિસાબી અધિકારી એ.કે. ભટ્ટ અને ચાલુ ઓડિટર સી.એન.કે એન્ડ એસોસિયેટ્સ દ્વારા સ્પષ્ટપણે નિષ્કાળજી દાખવી હોવાનું ફલિત થાય છે. બાયોસાયન્સની આગનો રિપોર્ટ પણ આગામી ૨૨મી ઓક્ટોબરના રોજ સિન્ડીકેટમાં મૂકવામાં આવશે. જાેકે, સમગ્ર મુદ્દે જ્યારે યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટટન્ટ એન.કે. ભટ્ટને કમિટી સમક્ષ બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, મેં તો પ્રીમિયમનો રિપોર્ટ તૈયાર કરી ફાઈલ સબમીટ કરી દીધી હતી. પરંતુ પછીથી પ્રીમિયમ ભરાયું નથી. યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. જાેકે, બીજી તરફ કમિટી દ્વારા એલઆઈસીના એજન્ટને બોલાવવામાં આવ્યો હતો. જેમાં તેણે કમિટી સમક્ષ બેથી ત્રણ વખત આવીને પ્રીમિયમ ભરવા માટેનું ફોલ અપ લીધું હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે, કમિટી સમક્ષ હિસાબી અધિકારી એન.કે. ભટ્ટે પ્રીમિયમ ભરવાની ફાઈલ સબમીટ કરાવી હોવાનું જણાવ્યું હતું પરંતુ તે ફાઈલ ક્યાં, કોને સબમીટ કરાવી તે સાબિત કરી શક્યા નહોતા. હિસાબી ગોટાળા બાબતને લઈને કમિટી દ્વારા એવું પણ સ્પષ્ટ આંકવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીના નાણાંકીય હિસાબો સિન્ડીકેટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરીને રાજ્ય સરકારને ઓડિટ માટે આપવા જાેઈએ. પરંતુ તેમાં ક્યારેય પણ સ્ટેચ્યુએટરી ઓડિટ અને આંતરિક ઓડિટ માટે કોઈ એક ઓડિટરની નિમણુંક ન કરવી જાેઈએ. પરંતુ યુનિવર્સિટીમાં માત્ર એક જ ઓડિટરની નિમણુંક કરાઈ છે. એક ઓડિટરની નિમણુંક કરતાં તે પોતાનો સાચો અભિપ્રાય ન આપી શકે, એમ પણ ઉલ્લેખ કરાયો છે.
Recent Comments