fbpx
ગુજરાત

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો

સમગ્ર ઉત્તર ગુજરાતની જનતા માટે પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણ પૂરું પાડનાર નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ અને મેડીકલ-પેરામેડીકલ, ટેકનિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, સાયન્સ, કોમર્સ, વિગેરે ક્ષેત્રે શિક્ષણ પૂરું પાડતી ઉત્તર ગુજરાતની એક માત્ર સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખુબ જ ટૂંકા સમયમાં સમગ્ર ગુજરાત તેમજ દેશમાં નામાંકિત થઈ છે. ચાલુ વર્ષથી નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દઘાટન સમારોહ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. ઉદ્દઘાટન સમારંભના પ્રમુખ તરીકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળસિંચાઇ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મહેસાણા જીલ્લા સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને નુતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની નવીન ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે સર્વે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્વ. સાંકળચંદદાદાના સ્વપ્ન “દરેક બાળકને પાયાના શિક્ષણથી ઉચ્ચ અભ્યાસ મળી રહે” તે સ્વપ્નને પૂરું પાડવામાં નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અગ્રેસર બની રહેશે. વધુમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી તેમજ નુતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર અને નુતન હોમિયોપેથિક કોલેજ એન્ડ હોસ્પિટલની સ્થાપનામાં સહકાર બદલ ગુજરાત સરકાર અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, તેમજ વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને જળસિંચાઇ મંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન અને સહયોગનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી દુષ્યંતભાઈ પટેલે તેમના ઉદ્દબોધનમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિસનગર તથા ઉત્તર ગુજરાતમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરતાં જણાવ્યુ હતું કે ટ્રસ્ટ અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી કામ કરી રહી છે જેનો સર્વે ટ્રસ્ટી મંડળ ખૂબ આભારી છે. યુનિવર્સિટીની યશ અને કીર્તિ ગાથાને બિરદાવી હતી તથા આવનારા સમય માં વૈશ્વિક સ્તરે શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે રિસર્ચ થકી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ગુજરાત તેમજ દેશની નામાંકિત યુનિવર્સિટીમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળને પાઠવી હતી.

Follow Me:

Related Posts