સાંતલપુર ના કિલાણા પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં હજારો માછલીઓનાં મોત

સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદાની કેનાલમાં 15 દિવસ અગાઉ કેનાલમાં પાણી બંધ કરાતા કેનાલો ખાલીખમ થઈ હતી.જ્યારે બે દિવસ અગાઉ કેનાલમાં પાણી છોડતા હજારોની સંખ્યામાં મરેલી માછલીઓ કેનાલના પાણીમાં તરતી જોવા મળી હતી.
સાંતલપુર તાલુકામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલ નજીક આવેલ કિલાણા, વાવડી, રામપુરા, વરણોસરી અને ઝઝામ ગામના લોકો કચ્છ બ્રાન્ચ કેનાલમાં મોટર મુકી પાણી પીવાનું મેળવતા હતા ત્યારે 15 દિવસ અગાઉ કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું જેને લઇ કેનાલો ખાલીખમ થઈ ગઈ હતી.પરંતુ ઉનાળુ ખેતી માટે પાણીની ખુબ જરૂરિયાત ઊભી થતાં લોકોની રજૂઆતો આધારે બે દિવસ પહેલા નર્મદા વિભાગ દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં 350 ક્યુસેક પાણી છોડ્યું હતુ.જેને લઇને કિલાણા પાસે હજારો મૃત માછલીઓ જોઈ વિસ્તારના લોકો ચિંતામાં મુકાયા હતા.
આ બાબતે એપીએમસીના પૂર્વ ચેરમેન કરશનજી જાડેજાએ જણાવ્યું કે કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા સુકાઈ જતાં માછલીઓના મોત થયા હશે એ માછલીઓ નવા પાણી સાથે કિલાણા સુધી પહોંચી છે. નર્મદા વિભાગના ઈજનેર શશીકાંત મહંતે જણાવ્યું કે આ પાણી પીવા માટે નથી આપતા.1-2 દિવસમાં ચોખ્ખું પાણી આવી જશે.
Recent Comments