fbpx
અમરેલી

સાંસદની અધ્યક્ષતામાં આંગણવાડીના બાળકો માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લાની આંગણવાડીના ૩ થી ૬ વર્ષના ૩૭,૪૦૦ બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું. વિડીયો કોન્ફરન્સ મારફતે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં.

અમરેલી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની અધ્યક્ષતામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મહિલા અને બાળ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા અને રાજ્યકક્ષાના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા. અમરેલી જિલ્લાની આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના ૩૭,૪૦૦ બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમના ભાગરૂપે કાર્યક્રમ સ્થળેથી ૬ બાળકોને યુનિફોર્મની સાથે સાથે સેનિટાઇઝરની નાની બોટલ, માસ્ક, રૂમાલવાળી હાઇજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના ૩ થી ૬ વર્ષની ૧૮ હજારથી વધુ બાળાઓને અને ૧૯ હજારથી વધુ બાળકોને એમ કુલ મળી ૩૭,૪૦૦થી વધુ યુનિફોર્મ આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આંગણવાડીના નાના ભૂલકાંઓને યુનિફોર્મ આપવા માટે જે નવીનતમ પહેલ કરી છે ખરેખર અભિનંદનીય છે. આ યુનિફોર્મ રાજ્યના ભુલકાઓમાં એકસૂત્રતાનો ભાવ જાળવવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી.

મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મીઓની પ્રશંસા કરતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે આજનું બાળકએ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકના ઘડતરમાં આંગણવાડીના કર્મીઓનો અમૂલ્ય ફાળો છે. આંગણવાડીની બહેનો પોતાના ઘર પરિવાર, બાળકો, વૃદ્ધ માતા-પિતા કે સાસુ સસરાની દેખભાળની સાથે સાથે આંગણવાડીના બાળકોનું પણ એટલું જ સાચવે અને વિશેષ ધ્યાન આપે છે તે ખરેખર પ્રશંસનીય છે.

સાંસદશ્રીએ અમરેલી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે સરકારની ટેક હોમ રાશન યોજના અંતર્ગત ૬ માસથી ૬ વર્ષના ૪૧,૦૪૪ જેટલા બાળકોને, ૧૭,૬૫૫ જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને અને ૩૧,૨૨૦ જેટલી ૧૧ થી ૧૭ વર્ષની કિશોરીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ઉપર ૩ થી ૬ વર્ષના ૪૦,૦૧૨ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવ્યું છે.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના તેમજ જિલ્લા પંચાયતના અન્ય વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Follow Me:

Related Posts