અમરેલી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી ઉદ્યોગના મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. અંડર-૧૯ અને ઓપન વયજૂથ ભાઇઓ અને બહેનોની વિવિધ રમતગમત સ્પર્ધાના ૬૭૨ વિજેતા રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધામાં ૨ હજારથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. આ અગાઉ તાલુકા કક્ષાની સાંસદ ખેલ સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલા અને મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધાના કન્વીનરશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સાંસદ ખેલ સ્પર્ધાનો ઉદ્દેશ જિલ્લાના રમતવીરોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે, ખેલપ્રતિભાઓને શોધી તેને યોગ્ય તક મળી રહે તેવી નેમ છે. જિલ્લા સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, રસ્સાખેંચ સહિતની રમતગમત હરિફાઇ યોજાઈ હતી. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાએ કબડ્ડીની ફાઈનલ મેચનો પ્રારંભ કરાવી તે મેચને નિહાળી હતી.
જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધા સમાપન પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, આ સમગ્ર સ્પર્ધાના આયોજનમાં ખેલીદીલી (સ્પોર્ટસમેન સ્પિરીટ) જોવા મળી છે. જિલ્લાના રમતવીરોએ, ગ્રામ્ય કક્ષાએ થી જિલ્લા કક્ષા સુધી વિવિધ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો એ ગૌરવની વાત છે. દરેક ખેલાડીઓમાં ખેલદીલી અને ટીમ સ્પીરીટની ભાવના હોય તે જરુરી છે. જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધા સમાપન સમારોહમાં રાજ્યસભા સાંસદશ્રી અને કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી શ્રી પરષોતમભાઈ રૂપાલાએ વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં દિવ્યાંગજનોને મદદ ટ્રસ્ટ અને હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા કૃત્રિમ હાથનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
જિલ્લા કક્ષા સાંસદ ખેલ સ્પર્ધા સમાપન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરમાર, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમબેન ફુમકિયા, જિલ્લાના રમતવીરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments