લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના બાઢડા પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ રથનું બાઢડા ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
‘મેરી કહાની,મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આઈ.સી.ડી.એસ. યોજનાઓના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઈઝેશન, ૧૦૦ ટકા નલ સે જલ યોજના અમલીકરણ, ઓ.ડી.એફ. પ્લસ સહિતના પ્રમાણપત્રો ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સંબંધિત ગ્રામ પંચાયતોને એનાયત કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યુ કે, છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ પહોંચી રહ્યા છે. કેટલીય પરિસ્થિતિ અને વ્યવસ્થાઓમાં હકારાત્મક પરિવર્તનો આવ્યા, આથી સરકારી યોજનાઓનું સરળ રીતે અમલીકરણ થઈ રહ્યું છે. ટેક્નોલોજીની મદદથી સરકારી યોજનાઓની સહાય રકમ સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થઈ રહી છે. સરકાર દરેક ગરીબની ચિંતા કરી રહી છે. ઝેરમુક્ત ખેતીની હિમાયત કરતા તેમણે વધુમાં જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ એ સમયની જરુરિયાત છે, જમીનમાં ઉગાડવામાં આવતાં વિવિધ પાક માટે રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડસ દવાઓનો ઉપયોગ ઓછો કે નહિવત થાય તે આવશ્યક છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ પ્રવચનને નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીશ્રી મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડિયા, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સાવરકુંડલા લીલીયા પ્રાંત અધિકારીશ્રી, સાવરકુંડલા તાલુકા મામલતદાર શ્રી, સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments