સાણંદના પ્રાંત ઓફિસરે ફ્લેટના પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો
ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સરકારી અધિકારીઓ પણ ચૂંટણીનાં કામમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. રાતોની રાતો સુધી અધિકારીઓ ચૂંટણીનાં કામમાં વ્યસ્ત રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આરકે પટેલે આજે વહેલી સવારે સાણંદ ખાતે પોતાના ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાંત અધિકારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા અને રાત્રે તેઓ ચૂંટણીનું કામકાજ કરી રહ્યા હતા અને સવારે તેમણે આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે, આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. અચાનક આપઘાત કરી લેવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસ દ્વારા ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, સાણંદના એસડીએમ રાજેન્દ્ર પટેલના આપઘાત પર શોક વ્યક્ત કરીએ છીએ. અને માંગ કરીએ છીએ કે, આ આપઘાત પાછળના કારણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
શું ભાજપ સરકારને કોઈના જીવની પરવા જ નથી? ચૂંટણીની જવાબદારી નિભાવી રહેલા અધિકારીના મૃત્યુના કારણોની શું ચૂંટણી પંચ કોઈ તપાસ કરશે? તેવો સવાલ કર્યો હતો. અમદાવાદના સાણંદ એસડીએમ રાજેન્દ્ર પટેલે આત્મહત્યા કરી છે, જેમાં ફ્લેટના પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. એમાં પ્રેરણાતીર્થ સોસાયટી પાસેની ઘટના છે. થોડા સમય પહેલાં જ સાણંદ પોસ્ટિંગ થયું હતું, જેમાં સાણંદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. તેઓ અમદાવાદના સાણંદના પ્રાંત ઓફિસર હતા. રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીના બી-૪૦૩ માં રહેતા હતા. તેઓ ૧૫ દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. આપઘાત પહેલાં તેમણે કોઈ ચિઠ્ઠી લખી છે કે નહીં એ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપઘાત બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ આ અંગે તેમના ઘરે અને સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
Recent Comments