સામખિયાળી વિસ્તારમાં ખૂબ ચાહના મેળવનાર ઉંચા હાથવાળા બાપુ તરીકે ઓળખાતા ૭૦ વર્ષીય કાલિકાનંદ સરસ્વતીએ સામખિયાળીના તળાવમાં ઝંપલાવી આત્મહત્યા રૂપે જળ સમાધી લેતાં તેમના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ કાલિકાનંદ સરસ્વતી બાપુ છેલ્લા ૨૦વર્ષ કરતા વધારે સમયથી સામખિયાળી વિસ્તારમાં અલગ અલગ આશ્રમ બનાવીને રહેતા હતા અને એક હાથ ઉંચો રાખી છેલ્લા ૩૦ વર્ષથી સમયથી તપસ્યા કરી રહ્યા હતા, જેના કારણે તેમનો હાથ ખોટો થઇ ગયો હતો.
સદ્દગત મહાત્મા આ વિસ્તારમાં સૌ પ્રથમ ઘરાણા ગામે મઢીમાં આવ્યા હતા તે જગ્યા પર રહી આ જગ્યાનો વિકાસ કર્યા બાદ તે મઢી છોડીને લાલિયાણા ગામે બંજર જમીન પર મંદિરનું નિર્માણ કરી ને ત્યાંથી સામખિયાળી આવી પોતાના ખર્ચે પ્લોટ ખરીદી ને ત્યાં મઢી બનાવીને રહેતા હતા. સૌ સાથે હળી મળીને રહેતા આ મહાત્મા છેલ્લા બે ત્રણ મહિનાથી માનસિક અસ્વસ્થ રહેતા હોવાનું નજીકના અનુયાયીઓએ જણાવ્યું હતું.
આજે તેમણે સામખિયાળીના તળાવમાં ઝંપલાવી જળ સમાધિ લઇ લેતાં તેમના બહોળા અનુયાયી વર્ગમાં શોકનું કોજું ફરી વળ્યું હતું. આ સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં તેમના ભક્તો પહોંચી ગયા હતા તો આ બનાવની જાણ થતાં સામખિયાળી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મહાત્મા કાલિકાનંદ સરસ્વતી બાપુને સામખિયાળી ખાતે સમાધી અપાશે તેવું જાણવા મળ્યું હતું.



















Recent Comments