અમરેલી

સાવરકુંડલાના આંગણે ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ભરત જોષી. અને સર્જાયો મહેફિલ-એ- મુશાયરા – નિરાંતની પળોનો માહોલ.. સાવરકુંડલા શહેરમાં ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ભરત જોષીની ઉપસ્થિતિમાં  નામાંકિત કવિઓની સંગાથે બસ ફુરસદની બે પળો વ્યતિત થઈ. 

તારીખ ૨૯ ઓક્ટોબરની સાંજે   પાંચ વાગ્યાની આસપાસ એમ એલ શેઠ ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, લબ્ધપ્રતિષ્ઠ કેળવણીકાર, શૈક્ષણિક વ્યવસ્થાપન ક્ષેત્રે અનોખી સૂઝ ધરાવનાર શ્રી વિનુભાઈ રાવળના નિવાસ સ્થાને  ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ભરત  જોષી તેમજ  અગ્રગણ્ય કવિઓની ઉપસ્થિતિમાં એક અનૌપચારિક  મુશાયરા કાર્યક્રમનું  આયોજન થયું. વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ભરત જોષી આમ તો પત્રકાર બિપીનભાઈ પાંધીના કોલેજ કાળના સહાધ્યાયી એટલે અહીં સાવરકુંડલા પધારે ત્યારે એકબીજાને મળવાનો એક ક્રમ હતો એ નાતે  વિનુભાઈના આમંત્રણને માન આપીને મુશાયરાની મહેફિલનો હિસ્સો બનવાનું સૌભાગ્ય પત્રકાર બિપીનભાઈ પાંધીને પણ પ્રાપ્ત થયું. મહેફીલમાં ખૂબ નામાંકિત કવિશ્રી ભરત વિંઝુડા, નટવર રાવળ,  ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ભરત જોષી (પાર્થ મહાબાહુ), વિનોદ રાઠોડ (વાઈઝ), હિંમતભાઈ રાઠોડ, ચતુર્ભુજ, મિલનભાઈ, વિજયભાઈ મહેતા વગેરે દ્વારા ગઝલ અને કવિતાનો દોર પૂરજોશમાં ચાલી રહ્યો હતો. આમ તો આજના કલુષિત વાતાવરણ વચ્ચે આ કવિતા જગત પણ ખરેખર માણવા જેવું હોય છે. જો કે કવિતા અને ગઝલનો દોર હોય એટલે એક પત્રકાર તરીકે થોડું સંવેદનશીલ હ્રદય પણ કાબૂમાં ન જ રહે એટલે પત્રકાર બિપીનભાઈ પાંધીએ પણ એક બે સાંપ્રત સમયના દોરને અનુલક્ષીને કાવ્ય રચનાઓ રજૂ કરવાની તક ઝડપી લીધી.

આમ ખૂબ સરસ રીતે રજૂ થતી ગઝલો અને કવિતા ખરેખર માર્મિક ટકોર પણ કરી જતાં જોવા મળેલ

સમગ્ર મુશાયરાનું સંચાલન શહેરના જાણીતા ઉદઘોષક વિજયભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.

કાર્યક્રમનું સમાપન વિજયભાઈ મહેતાના મુખે શયદાની એક હ્રદયસ્પર્શી રચના દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે યજમાન શ્રી વિનુભાઈ રાવળ દ્વારા અલ્પાહાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યના તબીબ ડો. દીપક શેઠ, ધીરૂભાઈ ખડદિયા, રમેશભાઇ સમેત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. 

અહીં પ્રસ્તુત છે એ મુશાયરાની મહેફિલની આછેરી ઝલક.

———————————————-

દુશ્મનો પણ હદ પ્રમાણે થાય છે,

આખરે એ કદ પ્રમાણે થાય છે.

કોઈને કેવો આવકારો આપવો,

આ બધુ તો પદ પ્રમાણે થાય છે.

થાય છે તે જોયા જ કરવાનું રહે છે,

ક્યાં કશું મકસદ પ્રમાણે થાય છે.

એક સાથે આવી પડતાં હોય પણ,

કામ સૌ ફુરસદ પ્રમાણે થાય છે.

થઈ શકે આખા જગતની પણ અહીં,

એકતા સરહદ પ્રમાણે થાય છે.

—ભરત વિંઝુડા.

મોજ પડે તો ગાવું..

મન મારીને મનમાં શાને નાહકનું મૂંઝાવું..

   – – – 

અમે ગાઈએ કાલાંઘેલાં અમને ગમતાં ગીત..

ગાવાની ને ગણગણવાની હોય અમારી રીત..

        —-

         અજવાળાંની ધાર..

શાહી ભરેલી કલમ ખોલતાં વરસી પડતી અજવાળાંની

ધાર.. 

         અજવાળાની ધાર..

—-ભરત જોશી ” પાર્થ મહાબાહુ

 “આંગળીને ટેરવે ગણ્યા કરું 

હું સમયને એમ પણ વણ્યા કરું

યાદની ઇંટો ફક્ત છે આમતો,

ઓરડો એવો હવે ચણ્યા કરું

આંખની લીપી કશે જો શીખવે,

જિંદગી ભર એજ હું ભણ્યા કરું.

         – – – વિનોદ રાઠોડ – ( वाइज़. )

‌રોજ દરિયો સાવ ખાલી ઘૂઘવે,

કોઈ  તેના હોઠે મૂકો વાંસળી!

         **

હોઠ સંજીવની શબ્દની,

તોય તું તો કહે ટેરવે. !

         **

બંધ મુઠ્ઠી પછી ખોલતાં,

દોસ્તની યાદ  કૈ ખૂલશે.

        – – – હિંમત રાઠોડ

શૂન્યતાનું એક સ્ટેશન હોય છે

જિંદગીનું એ જ પેન્શન હોય છે

સાથ સાથીઓ બધા તો આખરે

મન ઉપર લાખ ટેન્શન હોય છે.

ઘર બળે અંદર અને સુંદર બહાર

આ તમાશો એક ફેશન હોય છે

ઘોડિયું, છત્રીપલંગ, લાઠી, કફન

માનવીના ચાર સેકશન હોય છે

જિંદગીની એ સફળતા છે મિલન

મોતમાં હસવાની એક્શન હોય છે.

       – – મિલન

છે ઝપટ આ કાળની પણ કેવી વસમી,

મોત સંગે બાથ ભીડતી રણસંગ્રામની કથની,

બસ એ સ્વપ્નની વણઝાર છે ન’કરી,

ખુલે આંખ તંદ્રામાં સમયની સારણી કરીને સરખી, 

તાક્યું લક્ષ પણ હવે ત્રાજવે તોળી તમે,

બસ એક તીર અને ઘાયલ થયાં રંગ કેસરી કરતી,

જિંદગી જૂઓ છે ને અજબ ખેલ સરીખી નિસરણી, 

પેલાં ફાળકાને જઈને પૂછો જમીન આસમાનની કહાની

થઈને સ્થિતપ્રજ્ઞ એ પણ કહેશે કે કહાની છે એકસરખી,

તમે  કહો તે બ્રહ્મ વાક્ય સમજતાં યુગની ઘડી છે અઘરી.

–“પાંધી સર”

Related Posts