fbpx
અમરેલી

સાવરકુંડલાના મહુવા રોડના રેલવે ફાટક પર દિવસમાં વધુ વખત ટ્રેન પસાર થતા ફાટક બંધ રહેવાના કારણે સ્થાનિકો પરેશાન

સાવરકુંડલા શહેરમાં વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા લોકોની માગ ઉઠી છે. મહુવા રોડ પર રેલવે વિભાગનું ફાટક આવેલું છે. અહીં રેસિડેન્ટ, માર્કેટીંગ યાર્ડ, હોસ્પિટલ અને ૧૦થી વધુ સોસાયટી આવેલી છે. ત્યારે ગૂડ્‌સ ટ્રેન પસાર થવાના કારણે અવારનવાર ફાટક બંધ થાય છે, જેથી લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. જેથી આ વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવા સ્થાનિકો સહિતનાઓએ માગ કરી છે. પીપાવાવથી અમદાવાદ, સુરેન્દ્રનગર તરફ દરરોજ ૨૦ કરતાં વધુ કરતાં ગુડ્‌સ ટ્રેન પસાર થાય છે. જેથી ફાટક બંધ કરવાની ફરજ પડે છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ૨૦ મિનિટ સુધી ફાટક બંધ રહેવાના કારણે લોકોને ઊભા રહેવું પડતું હોય છે. લોકોને લાંબા સમય સુધી અવારનવાર ઉભા રહેવા કારણે તેમનામાં રોષ જાેવા મળી રહ્યો છે. આ અંગે અનેકવાર વેપારી સહિત સ્થાનિક લોકો, રાજકીય આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.

હજારો લોકોનો આ ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. તે ઉકેલવા લોકોની માગ છે. ફાટક સામે માર્કેટીંગ યાર્ડ આવેલું છે. ખેડૂતો પોતાની જણસ સહિત વસ્તુઓ લઇ અવરજવર કરતાં હોય છે. ૫૬ જેટલા ગામડાના ખેડૂતો અહીં દરરોજ આવે છે. ગૂડ્‌સ ટ્રેન પસાર થવાના કરાણે ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે. તેથી ખેડૂતો પણ હેરાન થાય છે. માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી સહિત લોકો દ્વારા આ પ્રશ્નના નિરાકરણ માટે રજૂઆતો કરી ચૂક્યાં છે. તેમજ હોસ્પિટલ આવેલી હોવાના કારણે દર્દીઓ પણ ૨૪ કલાક પસાર થતાં હોય છે. કેટલીક વખત ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ જવાના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મૂકાતાં હોય છે. તેથી વિવિધ લોકોને ફાટક બંધ થવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ફાટક દૂર કરી અહીં ઓવરબ્રિજ અથવા તો ગરનાળું બનાવવા માટે લોકો રજૂઆતો કરી રહ્યાં છે. નવી તાજેતરની સરકાર આ સાવરકુંડલા શહેરની ગંભીર સમસ્યા ઉકેલે અને સૌથી પહેલા આ પ્રશ્નનો ઉકેલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સ્થાનિક હસુ બગડાએ જણાવ્યુ હતું કે, આ સમસ્યા વર્ષોથી છે. ખેડૂતો, દર્દીઓ અમારા સોસાયટીના લોકો સૌ કોઈ પરેશાન થઇ રહ્યાં છે. સરકારને વિનંતી છે કે, આ પ્રશ્નને ઝડપથી ઉકેલાય. માર્કેટીંગ યાર્ડના મુકેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ખેડૂતો અહીં યાર્ડમાં આવતા હોય છે, ત્યારે ફાટક બંધ થવાના કારણે સમયસર આવી શકતાં નથી. ત્યારે ઝડપથી આ સમસ્યા દૂર થાય તો લોકો સહિત બધાને ફાયદો થાય તેમ છે.

Follow Me:

Related Posts