સાવરકુંડલાના રત્ન, શામજીભાઈ કાનજીભાઈ લાતીવાળા
શ્રી શામજીભાઈનો જન્મ તા.૫/૭/૧૯૦૧ના રોજ સાવરકુંડલામાં “આંબલીયા” પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી કાનજીભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. શામજીભાઈને બાળપણથી જ માતા-પિતા દ્વારા સારા સંસ્કારોનું સિંચન થયું હતું. તેઓને આગળ અભ્યાસ કરવો હતો પરંતુ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ‘આત્મવિશ્વાસ અને મહેનત જીવનમાં સો ટકા સફળતા અપાવે છે. આ વિચારને માનનારા શામજીભાઈએ આવી પડેલ પરિસ્થિતિને ઉપાડી લીધી. પોતાનો ૪ ચોપડીનો અભ્યાસને ટુંકાવી તથા નાના ત્રણ ભાઈઓ પરશોતમભાઇ, જીવરાજભાઈ, ગોરઘનમાઈ અને પરિવારના હિતને સમજીને ”લાતી” માં કામ કરવાની સામાન્ય નોકરી સ્વીકારી.
શ્રી શામજીભાઈના વિશેષ પ્રયત્ન અને ત્રણેય ભાઈઓના સંપૂર્ણ સહકારથી લાકડાના ધંધામાં પ્રવેશ કર્યો. તેમના જીવનલક્ષી ગુણો જેવાં કે નિયમિતતા, પ્રમાણિકતા અને કર્તવ્ય પારાયણતાને લીધે વેપારમાં વિશેષ પ્રગતિ કરી. ઈ.સ.૧૯૪૨માં ભારતમાં પણ બીજા વિશ્વયુધ્ધની અસર વર્તાણી, પરંતુ પરિવારની મદદ અને આત્મવિશ્વાસનાં બળે સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઈમારતી લાકડું પહોંચાડવામાં તેઓ “પ્રથમ” રહયા અને લોકહદયમાં ‘શામજી કાનજી લાતીવાળા’ ના નામથી સ્થાપીત થયા હતા.
ડાંગ, આહવામાં જયારે શામજીભાઈ લાતીવાળા ઈમારતી લાકડા ખરીદવા જાય ત્યારે જ હરરાજીની શરૂઆત થતી, બહારગામના વેપાર જગત સાથે જોડાયેલા લોકો ‘શામજીબાપા’ ના નામથી ઓળખતા. સાવરકુંડલા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે શામજીભાઈ લાતીવાળાના ઈમારતી લાકડાનો ઉપયોગ થયો હતો. *ઈ.સ.૧૯૪૨માં હિંદુ છોડો’ આંદોલન સમય દરમ્યાન તેમનું ઘર ‘અતિથિ ગૃહ’ બની ગયું હતું.* તેમનો પરિવાર સ્વાતંત્ર્ય સેનાનીઓને રહેવાની, જમવાની અને બિમાર હોય તેને પ્રાથમિક સારવાર આપવામાં કાર્યરત રહેતો.
વેપાર સિવાયનો તેમને મળેલ અમૂલ્ય સમયમાં મુરબ્બી શ્રી લલ્લુભાઈ શેઠના સહયોગમાં રહીને તેઓએ વધારે શિક્ષણ લીધું ન હોવા છતાં શિક્ષણની મહત્તા બરાબર જાણતા હતા.
શ્રી શામજીભાઈ જ્ઞાતીવાળા સાવરકુંડલા સંસ્થાઓ જેવી કે સાવરકુંડલા ગૌશાળા, સાર્વજનિક દવાખાનું, મહાત્મા ગાંધી ધર્મશાળા, સ્વામિનારાયણ મંદિર, સાવરકુંડલા વાટલિયા પ્રજાપતિ વિદ્યાર્થી ગૃહ જેવી સંસ્થાઓમાં તન, મન અને ધનથી કાર્ય કરેલ, તેમજ શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી અમુલખભાઈ ખીમાણી અને શ્રી કેશુભાઈ ભાવસારના પ્રિતીપાત્ર બન્યા.
ઊંડી કોઠાસૂઝ ધરાવનારા શ્રી શામજીભાઈ માનતા કે ‘શિક્ષણ એ સમાજસુધારણા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે સંવત ૨૦૦૯ માં ડુંગર મુકામે વાટલિયા પ્રજાપતિ સમાજનું પ્રથમ સંમેલન યોજાયું અને સમાજમાં નજાગૃતિ આવે તે માટે “જાગૃતિ” માસિકની શરૂઆત સંવત ૨૦૧૧માં કરી, જે આજે ‘વાટલિયા દર્શન’ ના નામથી પ્રકાશિત થાય છે અને સમાજને એકતાંતણે બાંધવાનું મહત્વનું કાર્ય કરી રહેલ છે.
શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજ પછાત હોવાથી કેળવણી એ જ સર્વાંત્રી વિકાસનું પગથિયું હોવાથી જ્ઞાતીના વિદ્યાર્થીઓને કેળવણી મળી રહે તે હેતું માટે સંવત ૨૦૧૨ માં સાવરકુંડલા ખાતે બોર્ડીંગના મકાનનું ખાતમુહર્ત કર્યુ હતું. તેમના શુભ પ્રયત્નોથી બે વર્ષના ટૂંકાગાળામાં અધ્યતન વિશાળ બિલ્ડીંગ બનાવી સંવત ૨૦૧૪માં સાવરકુંડલા મુકામે બોર્ડીંગના ઉદઘાટન પ્રસંગે જ્ઞાતિનું બીજું સંમેલન યોજાયું અને છેલ્લા સંવત ૨૦૧૮માં મહુવા મુકામે વાટલિયા વિદ્યાર્થીગૃહના ખાતમુહર્ત પ્રસંગે ત્રીજું સંમેલન યોજાયું. આ ત્રણેય સંમેલનમાં તેઓશ્રીને જ્ઞાતીના પ્રમુખપદે તેમજ ટ્રસ્ટી તરીકે ચાલુ રાખ્યા અને “જ્ઞાતિરત્ન” ની પદવી એનાયત કરી, તે જ્ઞાતી તરફથી ચાહના અને સદભાવનાનો પડઘો પાડે છે.
ઇ.સ.૧૯૭૩ માં શામજીભાઈના વિશેષ આગ્રહથી વાટલિયા પ્રજાપતિ સમાજે તેમની નિવૃત્તીને સ્વીકારી સમગ્ર વાટલિયા પ્રજાપતિ જ્ઞાતી સમૂહે ડુંગર મુકામે બબ્બે સન્માનપત્રો આપી તેમને બિરદાવ્યા હતા.
તેઓ સ્વામીનારાયણ સંપ્રદાયના અનન્ય ઉપાસક હતા. તેમની ઉંમર થઈ ગઈ હોવા છતાં લાકડાનાં વેપારમાં નાના ભાઈઓને ધંધામાં યોગ્ય માર્ગદર્શન આપતા. તેઓ પ્રભુપારાયણ જીવન જીવીને તા.૧૨/૨/૧૯૮૨ ના રોજ અક્ષરવાસી થયા. શામજીભાઈ લાતીવાળાને અંજલી આપતા શ્રી નારણભાઈ પુંભડિયા(નાની વડાળ) કહયું હતું કે ‘શામજીભાઈ એટલે સેવાનો જીવ’ ઘોળા કપડામાં સંત એવા શ્રી શામજીભાઈ ‘શિક્ષાપત્રી’માં દર્શાવેલ નિયમો મુજબનું જીવન જીવી તેમનો માનવજન્મ સાર્થક કર્યો હતો. હાલ તેમના ત્રણેય સંતાનો શ્રી સ્વ. ધરમશીભાઈ, સ્વ. શ્રી દેવરાજભાઈ, સ્વ. શ્રી દુર્લભજીભાઈ તથા તેમના સંતાનોનો અને સમગ્ર પરિવાર શામજીભાઈએ દર્શાવેલા માર્ગે ચાલી રહયા છે. શામજીભાઈએ સ્થાપેલ શ્રી વાટલિયા પ્રજાપતિ વિધાર્થી ગૃહના વર્તમાન ગૃહપતિશ્રી ધીરૂભાઈ જે. ઘોડાદરા છે.
Recent Comments