આમ તો સાવરકુંડલા શહેરમાં વિકાસના કામો પૈકી ઘેર ઘેર ગેસ કનેક્શન એ સંદર્ભ ગુજરાત પીએનજી ગેસ કંપની દ્વારા પાઈપ લાઈન મારફત ઘરે ઘરે ગેસ પહોંચાડવાનું આયોજન છે. શહેરના ઘણા વિસ્તારોમાં આ સુવિધા ઉપલબ્ધ પણ થઈ ગઈ છે પરંતુ અહીં હાથસણી રોડ ખાતે આંખની હોસ્પિટલ સામે આવેલ નાગનાથ સોસાયટીના રહીશો હજુ પણ કાગડોળે આ સુવિધાનો ઇંતેજાર કરી રહ્યા છે. આ સોસાયટીના ઘણાખરા લોકોએ તો આ કનેક્શન સંદર્ભે રજિસ્ટ્રેશન કરાવી અને એ સંદર્ભે થતી ટોકન રકમ પણ એકાદ વર્ષ પહેલા ભરી દીધેલી જોવા મળે છે. કોઈને મીટર સાથેનું કનેક્શન પણ કંપની દ્વારા આપી દેવાયેલું છે, તો કોઈને મીટર વગરના કનેક્શન અપાઈ ગયા છે. પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમજ આ વિસ્તારમાં ગેસ પુરવઠો વહન કરતી અંડર ગ્રાઉન્ડ લાઈન જ હજુ ઉપલબ્ધ નથી..!! આ સુવિધા સંદર્ભે કનેક્શન ઇચ્છતા નોંધાયેલ ગ્રાહકો જ્યારે પૂછપરછ કરે છે તો બસ પંદર દિવસ કે મહિના પછીના વાયદાઓ કરવામાં આવે છે. હમણાં બેક માસ પહેલા લાઈન નાખવાની શરૂઆત થઈ હતી
પરંતુ કોઇ અકળ કારણોસર એ કામ હાલ સ્થગિત સ્થિતીમાં છે. આ સંદર્ભ આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ જીગ્નેશભાઈ ભરાડનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પોતે પણ આ વિસ્તારમાં ગેસ પાઈપ લાઈન નાખવાનું કામ ઝડપથી ચાલુ થાય એ સંદર્ભે નગરપાલિકામાં રજૂઆત કરી છે. તો સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ સંદર્ભ અમારો કોઈ હસ્તક્ષેપ નથી.. આ સંદર્ભે પીએનજીના અધિકારીનો સંપર્ક કરતાં લેબર હોળીની રજા સંદર્ભે વતનમાં ગયા હોય મજૂરો પરત ફરતાં આ વિસ્તારના કામ શરૂ થશે એટલે હજુ પણ પંદર વીસ દિવસ પછી આ વિસ્તારમાં ગેસ પાઈપ લાઈન બિછાવતાં આવશે એવી હૈયાધારણા પીએનજી અધિકારી દ્વારા આપવામાં આવી છે એટલે હજુ વીસેક દિવસ તો થશે. અને અંતમાં આખરે તો તંત્ર દ્વારા કેવો અભિગમ અપનાવવામાં આવે છે તેના પર સમગ્ર બાબતનો દારોમદાર છે… જોઈએ પેલા ચાચૂડી ઘડાવા જેવો ઘાટ ન થાય એ ઇચ્છનીય..જો કે પછી લોકોમાં અસંતોષનો જ્વાળામુખી ફાટે એ પહેલાં આ વિસ્તારને પીએનજી ગેસ સુવિધા ઉપલબ્ધ થાય એ ઇચ્છનીય છે.
Recent Comments