સાવરકુંડલામાં પણ પોતાના ખેડૂત તરીકેના અધિકારથી વંચિત થયેલ એક વર્ગમાં ગણોતધારામાં સુધારો થાય એવી માંગ દબાતા સૂરે ઉઠવા પામી છે
ભારત ભલે ઔદ્યોગિક રીતે વિકાસ પામે પરંતુ મૂલતઃ ભારત ખુદ સદીઓથી એક ખેતીપ્રધાન દેશ છે.. હવે મોટેભાગે વરસાદ આધારિત ખેતપાક લેનાર વર્ગ પણ ઘણો મોટો છે. જો કે સમયાંતરે સિંચાઈની વ્યવસ્થા વધતી ગઈ અને વીજળીનું ઉત્પાદન પણ ઘણે અંશે વધ્યું છતાં ખેડૂતોને પોતાના ખેતવ્યવસાય દરમિયાન ઘણી તકલીફો આવે છે એ પણ વાસ્તવિકતા છે.. ઘણી વખત કુદરતી આફતો તો ઘણી વખત પાકમાં આવતાં વિવિધ રોગોને કારણે પણ ખેડૂત વર્ગને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો ઘણી વખત બજારમાં પોતાના ખેતપેદાશના પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે પણ તકલીફ પડતી હોય છે. હવે વાત કરીએ એવાં વર્ગની જે વર્ષો સુધી ખેડુત રહ્યાં હોય પરંતુ સમય અને સંજોગોને આધીન ઘણીવખત લાચારીવશ પણ પોતાની ખેતીની જમીન વેચી નાખવા મજબૂર બને છે. અને થોડા સમય જતાં એ ખેડૂત તરીકેનો અધિકાર ગુમાવી બેસે છે.
આવા અનેક કિસ્સાઓ સમગ્ર ભારતવર્ષમાં જોવા મળે છે. આમ તો ખેતી એના ડીએનએમાં હોય છે. પરંતુ પોતે પોતાની ખેતીની જમીન વેચી નાખતાં સમયાંતરે એ ખેડૂત મટી જાય છે..!! કારણ આપણાં કૃષિ કાયદાની જોગવાઇને કારણે પછી પાંચ પચ્ચીસ કે પચાસ વર્ષ બાદ તે પોતે કે પોતાના પરિવારજનો માટે ખેતીની જમીન ખરીદી શકતો નથી!! અરે ઘણી વખત તો માતાપિતાને ત્યાં ખેતી કરતી મહિલાઓ પણ સાસરે જતાં સાસરે પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય કે અન્ય કારણને લીધે પોતાના પૈતૃક હિસ્સાની ખેતીલાયક જમીન વેચી નાખવા મજબૂર બને છે. પછી સમયાંતરે ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવતાં ફરી આર્થિક સધ્ધરતા થયે પણ પોતે ખેતીલાયક જમીન ખરીદી શકતા નથી.!! કારણ આપણાં કૃષિ કાનૂન.. જો કે કાયદામાં પણ સમયાંતરે સુધારાનો અવકાશ હોય છે. સમય અને સંજોગ પ્રમાણે દેશના કાનૂનો પણ સુધારા માંગે તો છે.
આ સંદર્ભે જે વ્યક્તિ ભૂતકાળમાં ખેડૂત તરીકે પ્રસ્થાપિત થઈ હોય પરંતુ સમય સંજોગોને આધીન પોતાના હિસ્સાની ખેતીલાયક જમીન મજબૂરીવશ કે અન્ય કોઈ કારણસર વેચી નાખી હોય એવા લોકો માટે પુનઃ ખેતીલાયક જમીન ખરીદવા માટે કૃષિ કાનૂનમાં સુધારો જરૂરી છે એવું આ વર્ગનું માનવું છે. સરકાર આ સંબંધે ગંભીર રીતે વિચાર વિમર્શ કરી કૃષિ કાનૂનમાં સુધાર કરે એવી માંગ પણ આ વર્ગ દ્વારા ઉઠવા પામી છે. લોક ઈન પિરિયડની મુદત પચીસ કે પચાસ વર્ષ રાખવામાં આવે તો સાંપ્રત પોતાના ખેડૂત તરીકેના અધિકારથી વંચિત થયેલ આ વર્ગને પુનઃ ખેતી કરવાની અને ખેડૂત હોવાનું ગર્વ પ્રાપ્ત થઈ શકે.. સરકાર દ્વારા વિધાનસભામાં આ સંદર્ભે ગહન ચિંતન અને મનન થાય અને આવા ખેડૂત તરીકેના અધિકારથી વંચિત વર્ગને યોગ્ય ન્યાય મળે તેવા કૃષિ કાનૂનમાં સુધારા થાય એવી અપેક્ષા. ભૂતકાળમાં પણ જમીન ટોચ મર્યાદા તેમજ ગણોતધારા દ્વારા ઘણા પરિવર્તનો આવ્યા છે. છે તો નવભારતના નવનિર્માણ માટે કંઈક આવા સુધારા થાય તો વંચિતોને યોગ્ય ન્યાય મળે.
Recent Comments