અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ઓર્થોપેડિક વિભાગનો શુભારંભ થયો.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ઓર્થોપેડિક વિભાગનો શુભારંભ થયો. ડો. રાજ ભાવસાર અહીં ઓર્થોપેડિક તબીબ તરીકે સેવા આપશે. આ ઓર્થોપેડિક વિભાગનો પ્રારંભ આ હોસ્પિટલના સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો મગનભાઈ પાંડવ, ડો. દિપક શેઠ, સમેત અન્ય કાર્યરત વિભાગના તબીબો મેડિકલ સ્ટાફ અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પરિવારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય અને શ્રીફળ વધેરી કરવામાં આવેલ. આમ તો સાવરકુંડલા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ આ આરોગ્ય મંદિરની સેવાની નોંધ લેવામાં આવે છે. આજ સુધી લગભગ બાર લાખથી વધુ દર્દીઓએ આ હોસ્પિટલનો લાભ લીધો છે.

આ હોસ્પિટલમાં દર્દીઓને તમામ સારવાર લેબોરેટરી પરીક્ષણ, એક્સ રે, દવા અને ભોજન જેવી તમામ સેવાઓ નિશુલ્ક આપવામાં આવે છે. અહીં દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી નિશુલ્ક આરોગ્યલક્ષી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. આમ ગણો તો સાવરકુંડલા માટે ઘણા સમયથી એક બાહોશ ઓર્થોપેડિક તબીબની જરૂર હતી. આજના સાંપ્રત સમયમાં હાડકાંને લગતી સારવાર અર્થે આ હોસ્પિટલમાં નિશુલ્ક સુવિધાઓ ઉપલબ્ધ થતાં શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ હોસ્પિટલમાં હવે હાડકાંના તમામ પ્રકારની તપાસ તથા સારવાર, તમામ પ્રકારના ફ્રેકચરના ઓપરેશનો, ઘુંટણ અને થાપાના જોઈન્ટ રીપલેસમેન્ટ, સ્પાઈન સર્જરી, મણકાના ટી. બી. ની સારવાર, મણકાની ખસેલી ગાદીનું ઓપરેશન અને સારવાર તમામ નિશુલ્ક ઉપલબ્ધ થતાં ખાસકરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે ખૂબ રાહત થશે.

આમ ગણીએ તો આજે હાડકાં સંબંધિત બિમારી આ ફાસ્ટ અને ઝડપી યુગમાં વધુ જોવા મળે છે અને ખર્ચાળ સારવાર ન કરાવી શકતા હોય તેવાં લોકો માટે આ હોસ્પિટલ ધન્વંતરિ ભગવાનના આશિર્વાદ સમાન જ ગણાય. સાવરકુંડલા તેમજ આસપાસના  લોકોએ આ હાડકાંને લગતી બિમારીઓ સંદર્ભે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ હાડકાં વિભાગનો લાભ લેવા આ હોસ્પિટલના સહમંત્રી શ્રી ભરતભાઈ જોષી તથા હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો.મગનભાઈ પાંડવે જાહેર અપીલ કરી હતી.

Related Posts