સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાયો
સાવરકુંડલાના વીજપડી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાયો
અમરેલી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છેલ્લા ચાર તબક્કાઓમાં ૩૬૨.૪૪ લાખના ખર્ચે ૨૮૭ ચેકડેમ તથા ૨૨૨.૪૫ લાખના ખર્ચે ૧૬૮ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત ૮૦૦ જેટલા કામોનો સમાવેશ કરાયો છે અમરેલી, તા. ૧૯ માર્ચ, ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના હસ્તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતે જિલ્લા કક્ષાના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ નો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોએ વીજપડી થી અંદાજે ૨ કીમી દૂર આવેલા તળાવને ઊંડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી આ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. વીજપડી શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન આપતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જળસંચયના કામો લોકભાગીદારી સાથે જોડવામાં આવ્યા છે જે આજની અને આવનારી પેઢી માટે આશિર્વાદરૂપ નીવડશે. છેલ્લા ચાર વર્ષોમાં ખુબ મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવા માટેના તળાવ ઊંડું કરવાના કામો, ચેકડેમ બાંધવાના કામો, માટી-કાંપ કાઢવાના કાર્યો કરવામાં આવ્યા છે. કોરોનાકાળમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પાણી સંગ્રહ કરવાના આવા કામો થકી આગામી દિવસોમાં જયારે વરસાદ આવે છે ત્યારે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકીશું. જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સુજલામ સુફલામ જળ અભિયાનનો સૌથી વધુ લાભ ખેડૂતમિત્રોને થાય છે. ખેડૂતોને જે પાણી માટે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આવનારા દિવસોમાં દૂર થશે. તળાવો ઊંડા ઉતારવાથી, ચેકડેમો બાંધવાથી કે માટી-કાંપ કાઢવાથી વરસાદનું પાણી જમીનમાં ઊંડે સુધી જઈને તળ સાજા કરે છે અને સાથે સાથે ખેડૂતોના કુવાઓ રિચાર્જ થાય છે. પીડીલાઈટ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મનુભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે રાજયશક્તિની સાથે સાથે જયારે જન શક્તિ મળે છે ત્યારે એના પરિણામો કંઈક વિશેષ મળતા હોય છે. રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ થકી પાણીના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા જયારે સમગ્ર તંત્ર સતત પ્રયત્નશીલ હોય ત્યારે લોકોએ સંપૂર્ણપણે સહકાર આપવો અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, નોડલ અધિકારી શ્રી પાડવી, સિંચાઈ વિભાગના ઈજનેર શ્રી એ. બી. રાઠોડ, સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી કાળુભાઈ ફિંડોળીયા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિતના સૌ પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. નોંધનીય છે કે ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં આ જળ અભિયાન અંતર્ગત ૮૦૦ જેટલા કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષ એટલે કે ૨૦૧૮થી લઇ અત્યાર સુધીમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કાઓ પૂર્ણ કરી ૩૬૨.૪૪ લાખના ખર્ચે ૨૮૭ ચેકડેમ તથા ૨૨૨.૪૫ લાખના ખર્ચે ૧૬૮ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા છે. જેના લીધે ૨૦૧૮માં ૫૮.૩૦ કરોડ લીટર, ૨૦૧૯માં ૩૬.૨૭ કરોડ લીટર, ૨૦૨૦ માં ૫૮.૫૬ કરોડ લીટર, ૨૦૨૧ માં ૪૧.૮૨ કરોડ લીટરની પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.
Recent Comments