સાવરકુંડલા શહેરમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા આયોજિત દીવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલ સ્પર્ધા યોજાઈ. આ ઐતિહાસિક સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાયકલ સ્પર્ધકોને એનએસયુઆઈના કેતનભાઈ ખુમાણે બિરદાવતા જણાવ્યું હતું કે આજના ડીઝીટલ યુગમાં મોટેભાગે માનવજીવન શારીરિક શ્રમસેવાથી વિમુખ થતું હોય તેવી વેળાએ સાયકલ જ માનવજીવનની શારિરીક તંદુરસ્તી માટે ઉપકારક માધ્યમ ગણાય. સાયકલ સવારી કરવાથી પ્રદૂષણ નિયંત્રણ પણ થઈ શકે અને શારીરિક તંદુરસ્તી માટે પણ ઉપકારક બની શકે એવી વેળાએ આવી સાયકલ સ્પર્ધાઓ સમાજને પ્રેરણાસ્તોત્ર સમાન ગણાય. વળી આજના યુગમાં વાલી વર્ષ પણ પોતાના સંતાનોને વીશ પચ્ચીસ હજારનો મોબાઇલ લઈ આપશે પરંતુ સાયકલ ખરીદી માટે ઉદાસીનતા દાખવતાં જોવા મળે છે. આજરોજ વહેલી સવારે છ ના ટકોરે સાવરકુંડલાના ૧૫૦૦ થી વધુ સાયકલ સવારો સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપથી સાયકલ સ્પર્ધા માટે રવાના થયા હતાં. આ સાયકલ સ્પર્ધાને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણી, પૂ. ભક્તિરામ બાપુ સમેત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર સ્પર્ધા દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ. લગભગ અડધો કલાક કરતાં વધુ સમય સુધી આ રસ્તામાં અવરજવર કરતાં વાહનને અટકાવી અને સાયકલ સવારોને કોઈ ટ્રાફિક અડચણ ન થાય તેની તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવેલ. સાથે એમ્બ્યુલન્સ સેવા પણ ઈમરજન્સીમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સતત ખડેપગે તૈયાર હતી. આ ઉપરાંત સાવરકુંડલાના સ્પોર્ટસ ટીચરો, પત્રકાર મિત્રો પણ આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી વાલીવર્ગ અહીં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે આવેલ મેદાનમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતાં તમામ કેટેગરીમાં સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર સાયકલવીરોને મહાનુભાવોના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવેલ. તદુપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહક ઈનામ પણ આપવામાં આવેલ. અંતમા ઉપસ્થિત તમામને નાસ્તો પણ કરાવવામાં આવેલ. એનએસયુઆઈના હોદ્દેદારોની ઉપસ્થિત નોંધપાત્ર હતી. નાસ્તાના દાતા મલ્હારભાઈ રાવળ હતાં આ ઉપરાંત વલ્લભભાઈ જીંજુવાડીયા તેમજ એનએસયુઆઈના હોદેદારો ભરતભાઈ ગીડા પૂ. ભક્તિરામ બાપુ સમેત મહાનુભાવોના હસ્તે આ સાયકલ સ્પર્ધાના વિજેતાઓ સ્પર્ધકોને ઈનામ આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ખરેખર સાવરકુંડલા શહેર માટે એક સ્ટડી કેસ સમાન ગણાય.
Recent Comments